

પાટણ, 21 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફીમેલ હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતાં નીતાબેન જે. પંચાલની નિવૃત્તિ નિમિત્તે શનિવારે રાધનપુરની વન ટેન હોટેલ ખાતે સન્માન સમારોહ યોજાયો હતો. ગોતરકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા વર્કર બહેનો, પરિવારજનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નીતાબેનને પુષ્પગુચ્છ અને ભેટ આપી સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી. સાથે જ ઉપસ્થિત આશા વર્કર બહેનોને પણ ભેટ આપીને સન્માનિત કરાયાં હતાં.
નીતાબેને પોતાની સેવાકીય કારકિર્દીની શરૂઆત બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ગોસર સબસેન્ટરથી કરી હતી. ત્યારબાદ વતનમાં બદલી થતાં તેમણે ત્યાં 21 વર્ષ સુધી આરોગ્ય વિભાગમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી. છેલ્લાં આઠ વર્ષથી તેઓ ફીમેલ હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતાં હતાં. લાંબી સેવાકીય સફર દરમિયાન તેમણે આરોગ્યલક્ષી કામગીરીમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સમારોહમાં કર્મચારીઓ અને મહેમાનોએ તેમની કામગીરી, સેવાભાવ અને સહકારની ભાવનાને યાદ કરી હતી.
નિવૃત્તિ પ્રસંગે નીતાબેને જણાવ્યું હતું કે નોકરી દરમિયાન તમામ કર્મચારીઓનો પ્રેમ, સહકાર અને સેવાભાવ મળ્યો હતો. સમય ક્યારે પસાર થઈ ગયો અને નિવૃત્તિનો દિવસ ક્યારે આવી પહોંચ્યો તેની જાણ પણ ન રહી. સહકર્મચારીઓના સાથ અને લાગણીસભર વ્યવહારને કારણે તેમની સેવાકીય સફર યાદગાર બની હોવાનું જણાવી તેમણે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતે ઉપસ્થિત સૌએ નીતાબેનને નિવૃત્તિ જીવન સુખમય, સ્વસ્થ અને આનંદમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ