પાકિસ્તાનઃ ખૈબર પખ્તુનખ્વાના ધારાસભ્યોના વિશેષ અધિકારો સમાપ્ત, રાષ્ટ્રપતિએ પાંચ અધ્યાદેશ જારી કર્યા
ઇસ્લામાબાદ (પાકિસ્તાન), નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ ખૈબર પખ્તુનખ્વા (કેપી) પ્રાંત સાથે જોડાયેલા પાંચ અધ્યાદેશ જારી કર્યા છે. તેના દ્વારા પ્રાંતીય વિધાનસભાના સભ્યો (ધારાસભ્યો)ને મળતા અનેક વિશેષ અધિકારો ખતમ કરી દેવામાં
પાકિસ્તાન


ઇસ્લામાબાદ (પાકિસ્તાન), નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ ખૈબર પખ્તુનખ્વા (કેપી) પ્રાંત સાથે જોડાયેલા પાંચ અધ્યાદેશ જારી કર્યા છે. તેના દ્વારા પ્રાંતીય વિધાનસભાના સભ્યો (ધારાસભ્યો)ને મળતા અનેક વિશેષ અધિકારો ખતમ કરી દેવામાં આવ્યા છે. તેમાં ધરપકડ અને અટકાયતથી મળતું કાનૂની રક્ષણ પણ સામેલ છે. આ અધ્યાદેશો દ્વારા પ્રાંતના 12 સંવેદનશીલ જિલ્લાઓ અને અન્ય ક્ષેત્રોમાં વિશેષ વિકાસ યોજનાઓ ચલાવવા માટે નવું કાનૂની માળખું પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ યોજનાઓની દેખરેખ અને મંજૂરી માટે એક શક્તિશાળી કાર્યવાહક સમિતિ બનાવવામાં આવશે.

ડોનના અહેવાલ મુજબ, ધારાસભ્યોના અધિકારોમાં ફેરફાર માટે જારી કરાયેલા અધ્યાદેશ હેઠળ ખૈબર પખ્તુનખ્વા વિધાનસભાના સભ્યોને મળતા અનેક વિશેષ અધિકારો સમાપ્ત કરી દેવામાં આવ્યા છે. આ માટે 2026માં બનેલા વિધાનસભાના વિશેષાધિકાર કાયદાની 40માંથી 21 કલમો હટાવી દેવામાં આવી છે.

હટાવવામાં આવેલી જોગવાઈઓમાં ધરપકડ કે, અટકાયત પહેલાં વિધાનસભા અધ્યક્ષની મંજૂરી લેવી, અટકાયત સામે સુરક્ષા આપવી અને ધારાસભ્યો સામે કાનૂની કાર્યવાહી પર કેટલાક પ્રતિબંધો મૂકવા જેવા નિયમો સામેલ હતા. વિધાનસભા, તેના સભ્યો અને સમિતિઓના વિશેષાધિકારોના ભંગ સાથે જોડાયેલા ગુનાઓની યાદી પણ હટાવી દેવામાં આવી છે. તેનાથી ધારાસભ્યોને અગાઉ મળતી વિશેષ કાનૂની સુરક્ષા ઘણી ઓછી થઈ ગઈ છે.

11 ઓક્ટોબરે ખૈબર પખ્તુનખ્વામાં, કટોકટી લાગુ થયા પછી 12 સંવેદનશીલ જિલ્લાઓની દેખરેખ માટે પ્રાદેશિક પ્રતિનિધિ અને વિકાસ પરિષદ બનાવવામાં આવી હતી. આ જિલ્લાઓને ગંભીર સુરક્ષા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં વિલીન કરાયેલા જિલ્લાઓ પણ સામેલ છે. હવે આ ક્ષેત્રોમાં વિકાસ કાર્યો અને બીજી વિશેષ યોજનાઓના સંચાલન માટે એક કાર્યવાહક સમિતિ બનાવવામાં આવશે. પ્રાંતના બાકીના જિલ્લાઓમાં પણ આ જ પ્રકારની સમિતિ કામ કરશે.

નવા અધ્યાદેશો હેઠળ કાર્યવાહક સમિતિને વ્યાપક અધિકારો આપવામાં આવ્યા છે. તે નક્કી કરી શકશે કે કોઈ વિશેષ યોજનાને કઈ એજન્સી લાગુ કરશે. આ કામ માટે લશ્કરી સંસ્થાઓ અને લશ્કરી એકમોને પણ જવાબદારી સોંપવામાં આવી શકે છે.

સમિતિ પાસે અધિકાર-

- કોઈ યોજનાને તત્કાલ અથવા આપત્કાલીન જરૂરિયાતની યોજના જાહેર કરવી.

- વિકાસ યોજનાઓના પ્રસ્તાવો અને બજેટની ચકાસણી કરીને મંજૂરી આપવી.

- યોજનાઓને લાગુ કરનાર સરકારી કે અન્ય એજન્સીની ભલામણ કરવી.

- લશ્કરી સંસ્થાઓને પણ યોજના લાગુ કરવાની જવાબદારી સોંપવાનો પ્રસ્તાવ મૂકવો.

- યોજનાઓની દેખરેખ અને તેમના કામકાજનું મૂલ્યાંકન કરવું.

- જરૂર પડે તો નિષ્ણાતો અને અન્ય લોકોની મદદ લેવી તથા અલગ-અલગ સમિતિઓ બનાવવી.

સમિતિની બેઠક મહિનામાં ઓછામાં ઓછી એક વાર મળશે. જરૂર પડ્યે આનાથી પહેલાં પણ બેઠક બોલાવી શકાશે. નિર્ણયો બહુમતીથી લેવાશે. મત સરખા પડે તો અધ્યક્ષનો મત આખરી ગણવામાં આવશે.

બીજા કાયદાઓથી પણ ઉપર હશે આ અધ્યાદેશ-

આ અધ્યાદેશોની એક મહત્વની વાત એ છે કે, વિશેષ યોજનાઓ સાથે જોડાયેલા મામલાઓમાં તેમનો પ્રભાવ બીજા કેટલાક કાયદાઓથી પણ ઉપર રહેશે. તેમાં સરકારી ખરીદી અને ખાનગી-જાહેર ભાગીદારી સાથે જોડાયેલા પ્રાંતીય કાયદાઓ પણ સામેલ છે. આ ઉપરાંત, આ અધ્યાદેશો હેઠળ લેવાયેલા નિર્ણયો અને કરવામાં આવેલી કાર્યવાહીને કોઈ દીવાની અદાલતમાં પડકારી શકાશે નહીં.

મદરસાઓની નોંધણીમાં પણ ફેરફાર-

પાંચ અધ્યાદેશોમાંથી એક મદરસાઓની નોંધણી સાથે સંબંધિત છે. તેના હેઠળ જે ધાર્મિક મદરસાઓની નોંધણી કેન્દ્ર સરકારના શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ મંત્રાલયના ધાર્મિક શિક્ષણ મહાનિદેશાલયમાં થઈ ચૂકી છે અથવા ત્યાં નોંધણી કરાવી શકાય છે, તેમને ખૈબર પખ્તુનખ્વાના સોસાયટી નોંધણી કાયદા હેઠળ અલગથી નોંધણી કરાવવાની જરૂર રહેશે નહીં.

કેટલાક નેતાઓ કસ્ટડીમાં-

પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાંતમાં કટોકટી લાગુ થયા પછીથી પૂર્વ મુખ્યમંત્રી સોહેલ અફરીદી, વિધાનસભા અધ્યક્ષ બાબેર સલીમ સ્વાતી અને કેટલાક અન્ય ધારાસભ્યો અટકાયતમાં છે. સોહેલ અફરીદીનું મુખ્યમંત્રી તરીકેનું કામકાજ પણ રાજ્યપાલ શાસન લાગુ થવાને કારણે અટકી ગયું હતું. પ્રાંતના રાજ્યપાલ ફૈસલ કરીમ કુંડીએ પણ ગત મહિને દાવો કર્યો હતો કે, તેમને નજરકેદ કરી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવને શનિવારે પાંચેય અધ્યાદેશો જારી કરવાની પુષ્ટિ કરી છે. તેમાંથી ચાર અધ્યાદેશ 19 નવેમ્બરે સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. પાંચમો અધ્યાદેશ વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના વેતન, ભથ્થાં અને વિશેષાધિકારો સાથે સંબંધિત છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande