
પેરૂ, નવી દિલ્હી, 21 નવેમ્બર (હિ.સ./રિયા નોવોસ્ટી). દક્ષિણ અમેરિકી દેશ પેરૂમાં શુક્રવારે સાંજે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (યુએસજીએસ) અનુસાર, ભૂકંપની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 6.9 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર મધ્ય પેરૂના જુનિન ક્ષેત્રમાં ઓન્ડોરેસથી આશરે 22 કિલોમીટર પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમમાં સ્થિત હતું.
યુએસજીએસના મતે, ભૂકંપ સ્થાનિક સમયાનુસાર 20 નવેમ્બરના રોજ સાંજે 7 વાગીને 9 મિનિટે આવ્યો હતો. તેની ઊંડાઈ જમીનથી આશરે 142.1 કિલોમીટર નીચે નોંધાઈ હતી. વળી, દેશના ભૂભૌતિકીય સંસ્થાને ભૂકંપની તીવ્રતા 6.7 જણાવી છે અને તેનું કેન્દ્ર જુનિન શહેરથી લગભગ 30 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં હોવાનું જણાવ્યું છે. સંસ્થા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 129 કિલોમીટરની ઊંડાઈ પર હતું.
ભૂકંપ પછી અમેરિકી રાષ્ટ્રીય સુનામી ચેતવણી કેન્દ્રએ સ્પષ્ટ કર્યું કે, આ ઘટનાને કારણે સુનામીની કોઈ ચેતવણી, સલાહ કે દેખરેખ જારી કરવામાં આવી નથી. હાલમાં સુનામીનું કોઈ જોખમ હોવાનું જણાવાયું નથી.
ભૂકંપ પછી અત્યાર સુધી કોઈના જાનહાનિ પામવા કે મોટા પાયે મિલકતના નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. જોકે, સંબંધિત એજન્સીઓ સ્થિતિ પર નજર રાખી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ