ભાવનગરના રુદ્રાંશ પંડ્યાની રોલર સ્કેટિંગમાં ઝળહળતી સિદ્ધિ
ભાવનગર,03 નવેમ્બર (હિ.સ.) : આજના સમયમાં વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે પણ પોતાની પ્રતિભા અને કૌશલ્યના બળે નવી સિદ્ધિઓ મેળવી રહ્યા છે. સામાન્ય ઉંમરથી જ રમતગમત પ્રત્યે રસ, નિયમિત પ્રેક્ટિસ અને મહેનતના આધારે અનેક વિદ્યાર્થીઓ રાજ્ય અને રાષ્ટ
મેડલ મેળવનાર વિધાર્થી


ભાવનગર,03 નવેમ્બર (હિ.સ.) : આજના સમયમાં વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે પણ પોતાની પ્રતિભા અને કૌશલ્યના બળે નવી સિદ્ધિઓ મેળવી રહ્યા છે. સામાન્ય ઉંમરથી જ રમતગમત પ્રત્યે રસ, નિયમિત પ્રેક્ટિસ અને મહેનતના આધારે અનેક વિદ્યાર્થીઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાની ઓળખ બનાવી રહ્યા છે. ત્યારે ભાવનગરના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ધોરણ 4-બીમાં અભ્યાસ કરતા રુદ્રાંશ બલરામ પંડ્યાએ રોલર સ્કેટિંગમાં શાનદાર પ્રદર્શન કરીને ભાવનગરનું ગૌરવ વધાર્યું છે.

બોપલ ખાતે આવેલી DPS સ્કૂલમાં યોજાયેલી 46મી ગુજરાત રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ-2026માં રુદ્રાંશે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. તેણે સ્પર્ધામાં એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ સહિત કુલ ત્રણ મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ સફળતાના પગલે તે ઓવરઓલ ચેમ્પિયન બન્યો હતો. રાજ્યભરના પ્રતિભાશાળી ખેલાડીઓ વચ્ચે પોતાની રમતનું કૌશલ્ય દર્શાવી ત્રણ મેડલ જીતવા બદલ તેની સિદ્ધિની પ્રશંસા થઈ રહી છે.

રોલર સ્કેટિંગમાં ઝડપ, સંતુલન, એકાગ્રતા અને સતત અભ્યાસ ખૂબ મહત્ત્વ ધરાવે છે. રુદ્રાંશે નિયમિત પ્રેક્ટિસ અને રમત પ્રત્યેની લગનથી આ સફળતા મેળવી છે. તેની આ સિદ્ધિ પાછળ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના કે.પી. સ્વામી, પી.ટી. શિક્ષક મનીષભાઈ અને શાળાના પ્રિન્સિપાલનું માર્ગદર્શન તથા પ્રોત્સાહન રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં શાનદાર દેખાવ બાદ રુદ્રાંશની પસંદગી રાષ્ટ્રીય કક્ષાની રોલર સ્કેટિંગ સ્પર્ધા માટે થઈ છે. હવે બેંગલુરુ ખાતે યોજાનારી રાષ્ટ્રીય સ્પર્ધામાં તે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. તેની આ સિદ્ધિથી પરિવાર, શાળા અને ભાવનગરમાં આનંદની લાગણી પ્રસરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande