
ભાવનગર,03 નવેમ્બર (હિ.સ.) : રાષ્ટ્રીય આરોગ્ય મિશન (એનએચએમ) હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓના બેઝિક પે સુધારા એટલે કે અગાઉના સમયગાળાના પગાર સુધારાની પ્રક્રિયામાં લાંબા સમયથી વિલંબ થઈ રહ્યો છે. આ પ્રક્રિયા સમયસર પૂર્ણ ન થતાં કર્મચારીઓમાં ચિંતા અને નારાજગી જોવા મળી રહી છે. દિવાળી પહેલાં પગાર સુધારા અંગે હકારાત્મક નિર્ણય આવે તેવી કર્મચારીઓ આશા રાખી રહ્યા છે.
આ મુદ્દે ભાવનગર જિલ્લાના રહેવાસી અને યુનિયનના પ્રમુખ ડો. રીતેશ ગોંડલિયા દ્વારા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની મુલાકાત કરી રજૂઆત કરવામાં આવી છે. મુલાકાત દરમિયાન એનએચએમ કર્મચારીઓના લાંબા સમયથી પડતર પગાર સુધારાના પ્રશ્નને વહેલી તકે ઉકેલવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
યુનિયનના પ્રમુખે કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને આ પ્રક્રિયાનો ઝડપથી નિકાલ આવે અને દિવાળી પહેલાં પગાર સુધારા અંગે સારા સમાચાર મળે તે માટે બંને મંત્રીઓનો સહકાર માંગ્યો હતો. આ ઉપરાંત વડાપ્રધાન કાર્યાલય, ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ સમક્ષ પણ આ મુદ્દે ધ્યાન દોરવામાં આવ્યું છે.
એનએચએમના કર્મચારીઓ આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યા છે. ત્યારે તેમના લાંબા સમયથી પડતર પગાર સુધારાના પ્રશ્નનો વહેલી તકે ઉકેલ આવે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. હવે દિવાળી પહેલાં સરકાર દ્વારા આ અંગે હકારાત્મક નિર્ણય લેવામાં આવે છે કે કેમ તેના પર કર્મચારીઓની નજર મંડાયેલી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA