
અમદાવાદ,03 નવેમ્બર (હિ.સ.) અમદાવાદના થલતેજ વિસ્તારમાં સોમવારે રાતે ઝાયડસ હોસ્પિટલ નજીક આવેલા મેગ્નેટ પાર્ક કોમર્શિયલ બિલ્ડિંગમાં આવેલી ફેડોરા કંપનીની ઓફિસમાં ભીષણ આગની ઘટના બની હતી.
બિલ્ડિંગના બીજા માળે આવેલી ફેડોરા કંપનીની ઓફિસમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગના કારણે સમગ્ર ઓફિસમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ જતાં અનેક કર્મચારીઓ અંદર ફસાઈ ગયા હતા. જીવ બચાવવા કેટલાક કર્મચારીઓએ બારીના કાચ તોડીને નીચે છલાંગ લગાવી હતી, જ્યારે કેટલાક કર્મચારીઓ છજા પર લટકતા જોવા મળ્યા હતા. જેમાં મંગળવારે મળતા સમાચાર પ્રમાણે, કર્મચારી રચિત પટેલનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત ઘટનામાં 5 લોકોને ઈજા અને ગૂંગળામણ થતા સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદના થલતેજમાં આવેલા મેગ્નેટ પાર્કમાં ખાનગી કંપનીમાં લાગેલી આગની ઘટનામાં ઉપરથી નીચે કૂદવાના કારણે મૂળ રાજકોટના રહેવાસી એક યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પાંચ લોકોને આગના કારણે ગુંગળામણ અને ઇજાઓ થતા સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવામાં આવી હતી.
પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે, રચિત બાથરૂમની ગ્રીલ તોડીને નીકળવા જતા નીચે પડ્યો અને મોત નીપજ્યું છે. આ ઘટના અંગે મૃતકના ભાઈ હાર્દિક મગેટાએ જણાવ્યું છે કે, રચિતે એમબીએ કર્યું હતું. તે રાજકોટનો રહેવાસી છે. અહીં પીજીમાં રહીને નોકરી કરતો હતો.
મેગ્નેટ પાર્કના બીજા માળે આવેલી ફેડોરા કંપનીની ઓફિસમાં કર્મચારીઓ નિયમિત કામકાજ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગની સાથે કાળા ધુમાડાના ગોટેગોટા સમગ્ર ફ્લોર પર પ્રસરી ગયા હતા. ઓફિસનો મુખ્ય એક્ઝિટ માર્ગ ધુમાડાથી ઘેરાઈ જતાં કર્મચારીઓ માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. જેના કારણે ઓફિસમાં ફસાયેલા કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આગની ગંભીરતા વચ્ચે કેટલાક કર્મચારીઓએ જીવ બચાવવા બારીના કાચ તોડીને નીચે કૂદકો માર્યો હતો. જ્યારે કેટલાક કર્મચારીઓ બિલ્ડિંગના છજા પર લટકીને મદદની રાહ જોતા જોવા મળ્યા હતા. ઘટનાના દૃશ્યોમાં કર્મચારીઓની મુશ્કેલી અને બચવા માટેની દોડધામ જોવા મળી હતી.
ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગે બિલ્ડિંગમાં ફસાયેલા કર્મચારીઓને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ કામગીરી કરીને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરી હતી.
આગની ઘટનામાં ગૂંગળામણ અને નીચે કૂદવાને કારણે ઈજાગ્રસ્ત થયેલા કુલ 5 લોકોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગની ટીમો દ્વારા જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના અંગે ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજા અને ઝોન-7ના ડીસીપી શિવમ વર્માએ વિગતો આપી હતી. બીજી તરફ બોડકદેવ પોલીસે પણ જાણવાજોગ નોંધી આગ લાગવાનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ