મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે, વલસાડના નંદવાળા ખાતે ત્રિમંદિરનું ભૂમિપૂજન સંપન્ન
વલસાડ,03 નવેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડ જિલ્લાના નંદવાળા ખાતે દાદા ભગવાન પરિવાર (ફાઉન્ડેશન)ના ત્રિમંદિરનું ભૂમિપૂજન દિપકભાઈ અને નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં કર્યું હતું. મુખ્યમંત્રીએ પૂજ્ય દીપકભાઈ સાથે શાસ્ત્રોક્ત વિ
Chief Minister Bhupendra Patel completes the foundation stone laying ceremony of Trimandir at Nandwala, Valsad


વલસાડ,03 નવેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડ જિલ્લાના નંદવાળા ખાતે દાદા ભગવાન પરિવાર (ફાઉન્ડેશન)ના ત્રિમંદિરનું ભૂમિપૂજન દિપકભાઈ અને નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં કર્યું હતું.

મુખ્યમંત્રીએ પૂજ્ય દીપકભાઈ સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરી હતી. તેમજ પૂજ્ય સાથે આત્મીય સંવાદ સાધીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

મુખ્યમંત્રીએ પોતાની ભાવના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અહીંયા અમે મહાત્માની રીતે આવીએ છીએ, તો તમારા ચરણોમાં સમર્પિત થઈ જઈએ એવી પ્રાર્થના હર હંમેશ કરતા રહીએ છીએ.

તેમણે ઉમેર્યુ કે, દાદા ભગવાન, પૂજય નીરુમા અને પૂજ્યની ભાવના છે કે, આવા મંદિર ગામોગામ હોજો.

મુખ્યમંત્રીએ પુજ્ય દાદા ભગવાનનું ભાવસ્મરણ કરતાં તેમણે કરેલી વાતોનું સ્મરણ કરતા કહ્યું કે, આપણે બધા આજે એવી ભાવના કરીએ કે આ મંદિરો જેટલા વધુ ને વધુ બનશે, પછી ભારતનો નકશો કંઈક અલગ જ હશે. તો આપણે બધાએ આજે આ ભાવના રાખીયે કે આવા મંદિર જેટલા વધુ ને વધુ ઝડપથી બને અને લોક કલ્યાણ પ્રવૃત્તિ વધુ પ્રબળ બને.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિકસિત ભારતનો સંદેશ દોહરાવતા વિકસિત ભારતમાં પણ આવા મંદિરોનું યોગદાન મળશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ત્રિમંદિરએ જૈન, શૈવ, વૈષ્ણવ અને અન્ય ધર્મોને એક સમાન મંચ પર લાવીને ધાર્મિક મતભેદો દૂર કરતું અનોખું તીર્થધામ છે. પરમ પૂજ્ય દાદાશ્રીના જણાવ્યા અનુસાર, આ મંદિરનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને મારો ધર્મ જ સાચો છે તેવા વાડાઓમાંથી મુક્ત કરી આત્મજ્ઞાન અને સાચા મોક્ષના માર્ગે વાળવાનો છે. સર્વધર્મ સમન્વયનું આ પ્રતીક જીવાત્માને ભેદભાવોથી પર લઈ જઈને સાચી શાંતિનો અનુભવ કરાવે છે.

દાદા ભગવાન ફાઉન્ડેશન એ પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા પ્રસ્થાપિત 'અક્રમ વિજ્ઞાન' (સ્ટેપલેસ આધ્યાત્મિક વિજ્ઞાન) નો દેશ-વિદેશમાં પ્રસાર કરતી આધ્યાત્મિક સંસ્થા છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સંસારમાં રહીને, કોઈ પણ પ્રકારના કઠોર ત્યાગ વિના સીધી રીતે આત્મજ્ઞાન (Self-Realization) પ્રાપ્ત કરાવવાનો છે.

પૂજ્ય નીરુમા અને વર્તમાન આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈના માર્ગદર્શન હેઠળ, આ સંસ્થા વિશ્વભરમાં સત્સંગ, જ્ઞાનવિધિ અને આધ્યાત્મિક શિબિરોનું આયોજન કરે છે. ફાઉન્ડેશન દ્વારા દેશભરમાં નિર્મિત 'ત્રિમંદિરો' સાંપ્રદાયિક મતભેદોને દૂર કરી સર્વધર્મ સમન્વય અને વિશ્વ શાંતિનો અનોખો સંદેશ આપે છે.

મંદિર ભૂમિપુજનના કાર્યક્રમમાં વલસાડ ધારાસભ્ય ભરત પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ, કપરાડા ધારાસભ્ય જીતુ ચૌધરી, કલેક્ટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચાપલોત, પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande