
ચિત્રકૂટ (ઉત્તર પ્રદેશ), નવી દિલ્હી, 09 નવેમ્બર (હિ.સ.) ભગવાન શ્રીરામની તપોભૂમિ પરથી દિવાળીના દિવસે, ભગવાન કામતાનાથના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓ માટે સોમવારનો દિવસ કાળ બનીને આવ્યો. રૈપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના રામનગર પાસે નહેર નજીક શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી અનિયંત્રિત થઈને પલટી ગઈ. આ અકસ્માતમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયા, જ્યારે 12 લોકો ઘાયલ થયા. મૃતકોમાં બે માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે.
આ શ્રદ્ધાળુઓ દર્શન-પૂજન કર્યા બાદ ટ્રેક્ટર-ટ્રોલી દ્વારા પ્રયાગરાજ પરત ફરી રહ્યા હતા. રામનગર પાસે નહેર નજીક અચાનક ટ્રોલીનો ખીલો (ગુલ્લો) નીકળી ગયો, જેના કારણે ટ્રોલી અનિયંત્રિત થઈને રસ્તા પરથી નીચે પલટી ગઈ. ટ્રોલીમાં સવાર શ્રદ્ધાળુઓ તેના નીચે દબાઈ ગયા. મૃતકો અને ઘાયલોમાં મધ્ય પ્રદેશના રીવા તથા પ્રયાગરાજ જિલ્લાના રહેવાસીઓનો સમાવેશ થાય છે. પોલીસે અને સ્થાનિક લોકોએ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કરીને એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા.
આ અકસ્માતમાં શિવાંશ (7), ત્રિવેણી (40) અને નન્હે (6), રહેવાસી મઝગવાં, પોલીસ સ્ટેશન ચાકઘાટ, જિલ્લો રીવા, મધ્ય પ્રદેશ તથા રાધેકૃષ્ણ, રહેવાસી ઊંચા ગામ, પોલીસ સ્ટેશન ખીરી, પ્રયાગરાજનું મોત થયું. અકસ્માતમાં બાળકો સહિત 12 લોકો ઘાયલ થયા છે. માહિતી મળતા જ જિલ્લા કલેક્ટર પુલકિત ગર્ગ અને પોલીસ અધિક્ષક અરુણ કુમાર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા.
મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું, પીડિત પરિવારોને શક્ય તમામ મદદની ખાતરી-
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે, શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યોમાં ઝડપ લાવવાનો નિર્દેશ આપ્યો. આ સાથે, મૃતકોના પરિવારો સાથે સંવાદ કરીને તેમને શક્ય તમામ સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો. મુખ્યમંત્રીએ ઘાયલોની ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના પણ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ