સંસદના ચોમાસુ સત્રનું હજુ સુધી સત્રાવસાન થયું નથી, 2008નો રેકોર્ડ તૂટ્યો, રમેશે સવાલો ઉઠાવ્યા
નવી દિલ્હી, 09 નવેમ્બર (હિ.સ.). સંસદનું ચોમાસુ સત્ર સમાપ્ત થયાને 88 દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી લોકસભા અને રાજ્યસભાનું ઔપચારિક સત્રાવસાન કરવામાં આવ્યું નથી. આ સાથે જ સંસદના સત્રાવસાનમાં અત્યાર સુધીનો સૌથી લાંબો અંતરાલ નોંધાયો છે. આ પહેલા વર્ષ
ભારતીય સંસદ -ફાઈલ ફોટો


નવી દિલ્હી, 09 નવેમ્બર (હિ.સ.). સંસદનું ચોમાસુ સત્ર સમાપ્ત થયાને 88 દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી લોકસભા અને રાજ્યસભાનું ઔપચારિક સત્રાવસાન કરવામાં આવ્યું નથી. આ સાથે જ સંસદના સત્રાવસાનમાં અત્યાર સુધીનો સૌથી લાંબો અંતરાલ નોંધાયો છે. આ પહેલા વર્ષ 2008માં 87 દિવસ સુધી સત્રાવસાન થયું ન હતું. બંને ગૃહોની કાર્યવાહી 13 ઓગસ્ટના રોજ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી હતી. સોમવાર સવાર સુધી બંને ગૃહોનું સત્રાવસાન ન થવાથી, વર્તમાન સત્ર હેઠળ જ સંસદની બેઠક ફરીથી બોલાવવાની સંભાવના યથાવત છે.

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે, આ મામલે સરકારની મંશા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર કહ્યું કે, સંસદને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કર્યાને 88 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી સત્રાવસાન થયું નથી. રમેશે સંસદની કાર્યપ્રણાલી પર પ્રકાશિત પુસ્તક 'કૌલ એન્ડ શકધર'ની આઠમી આવૃત્તિનો હવાલો આપતા કહ્યું કે, તેમાં લોકસભાના અનિશ્ચિતકાળ માટે સ્થગિત થવા અને સત્રાવસાન વચ્ચે સામાન્ય રીતે બે થી ચાર દિવસનો તફાવત દર્શાવવામાં આવ્યો છે. પુસ્તકના ફૂટનોટમાં આ મહત્તમ તફાવત 28 દિવસનો દર્શાવવામાં આવ્યો છે, જે 2015ના ચોમાસુ સત્ર સાથે સંકળાયેલો છે.

રમેશે કહ્યું કે, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ 19 ઓક્ટોબરના રોજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્રમાં 2008ના ચોમાસુ સત્રનું 87 દિવસ સુધી સત્રાવસાન ન થવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, તે સમયે તમામ પક્ષોની સહમતિથી આવું કરવામાં આવ્યું હતું. રમેશે આરોપ લગાવ્યો કે, વર્તમાન સરકારે આ રેકોર્ડ કેન્દ્રીય ગૃહમંત્રીને સીમાંકન વિધેયકોને પસાર કરાવવા માટે લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી એકત્ર કરવાનો સમય આપવાના ઉદ્દેશ્યથી બનાવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગે છેલ્લા છ મહિનામાં ચાર વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સીમાંકન પર ચર્ચા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવાની વિનંતી કરી ચૂક્યા છે, પરંતુ સરકારે આના પર સહમતિ આપી નથી.

વળી, સત્રાવસાન ન કરવાથી એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે, સરકાર મહિલા આરક્ષણ કાયદાને લાગુ કરવા સાથે સંકળાયેલા પ્રસ્તાવિત બંધારણીય સુધારા પર વિચારણા કરવા માટે સંસદની બેઠક ઓછા સમયની નોટિસ પર બોલાવી શકે છે. આ પ્રસ્તાવ હેઠળ સીમાંકન દ્વારા લોકસભાની વર્તમાન 543 બેઠકોની સંખ્યા વધારીને મહત્તમ 850 કરવાની વાત છે. જોકે, સંસદની બેઠક બોલાવવા અંગે સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

બંધારણમાં ગૃહને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કર્યા પછી સત્રાવસાન કરવા માટે કોઈ નિશ્ચિત સમય-સીમા નક્કી કરવામાં આવી નથી. તેથી, લાંબા સમય સુધી સત્રાવસાન ન કરવું એ પોતે જ બંધારણીય કે પ્રક્રિયાગત અનિયમિતતા માનવામાં આવતું નથી. ઉપલબ્ધ રેકોર્ડ મુજબ, 2008માં 87 દિવસ, 1987માં 76 દિવસ, 1989માં 54 દિવસ, 2006 અને 2013માં 49-49 દિવસ તથા 1963માં 41 દિવસ સુધી સંસદનું સત્રાવસાન થયું ન હતું.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008માં તત્કાલીન સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે લોકસભાની બેઠક 21 અને 22 જુલાઈના રોજ યોજાઈ હતી. આ પછી ગૃહનું સત્રાવસાન કરવામાં આવ્યું ન હતું. લોકસભાની કાર્યવાહી 17 ઓક્ટોબરના રોજ ફરી શરૂ થઈ અને 24 ઓક્ટોબરના રોજ સ્થગિત કરવામાં આવી. આ પછી ગૃહની આગામી બેઠક 10 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande