
નવી દિલ્હી, 09 નવેમ્બર (હિં.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓએ, સોમવારે ઉત્તરાખંડના સ્થાપના દિવસના અવસર પર રાજ્યના નિવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
રાષ્ટ્રપતિ મુર્મુએ એક્સ પર લખ્યું, ઉત્તરાખંડ પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, આધ્યાત્મિક પરંપરાઓ અને અદ્વિતીય પ્રાકૃતિક સુંદરતા માટે એક વિશિષ્ટ ઓળખ ધરાવે છે. અહીંના લોકોએ રાષ્ટ્ર સેવા, વીરતા અને પર્યાવરણ સંરક્ષણમાં હંમેશાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. મને આશા છે કે ઉત્તરાખંડના નિવાસીઓ પર્યાવરણ સંરક્ષણ અને સતત વિકાસ વચ્ચે સંતુલન જાળવી રાખશે, અને રાજ્યને નિરંતર પ્રગતિના પથ પર આગળ વધારતા રહેશે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આ દિવ્ય ભૂમિ (ઉત્તરાખંડ) આધ્યાત્મિક ચેતના અને અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ છે. પોતાના મનોરમ્ય પહાડી દૃશ્યો, પવિત્ર નદીઓ અને પાવન ચાર ધામની સાથે-સાથે, આ રાજ્યની એક વિશિષ્ટ ઓળખ છે, જે તેની ગૌરવશાળી સાંસ્કૃતિક વિરાસત સાથે જોડાયેલી છે. રાજ્યના પરિશ્રમી, પ્રતિભાશાળી અને પ્રગતિશીલ લોકોની સક્રિય ભાગીદારીથી, ઉત્તરાખંડ આજે વિકાસના દરેક ક્ષેત્રમાં નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. પૂરો વિશ્વાસ છે કે પોતાની પ્રકૃતિ અને સંસ્કૃતિ માટે આ ભૂમિ, પ્રગતિના પથ પર નિરંતર ઝડપથી આગળ વધતી રહેશે. આ વિશેષ અવસર રાજ્યના તમામ લોકોના જીવનમાં ખુશીઓ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, આ પ્રદેશ પ્રકૃતિની અદ્ભુત સુંદરતા, સમૃદ્ધ આધ્યાત્મિક વિરાસત અને ગૌરવશાળી સાંસ્કૃતિક પરંપરાઓથી સુશોભિત છે. હિમાલયની ઉન્નત શિખરોથી લઈને પવિત્ર નદીઓના ઉદ્ગમ સ્થાનો સુધી, અને ગંગોત્રી-યમુનોત્રી, બદ્રીનાથ-કેદારનાથ તથા હેમકુંડ સાહિબ જેવા પાવન તીર્થસ્થાનો સુધી ઉત્તરાખંડ આપણી સભ્યતા, આસ્થા અને પ્રાકૃતિક ધરોહરનો એક અમૂલ્ય હિસ્સો છે. ઉત્તરાખંડ પ્રગતિના નવા પ્રતિમાન સ્થાપિત કરતું રહે, અહીંના દરેક પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે, અને આ રાજ્ય એક વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં અગ્રણી ભૂમિકા ભજવે.
રાજનાથ સિંહે કહ્યું કે, દેવભૂમિ ઉત્તરાખંડ પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, અદ્ભુત પ્રાકૃતિક સુંદરતા અને વીરતાની ગૌરવશાળી પરંપરા માટે જાણીતી છે. અહીંના મહેનતુ, કર્મઠ અને સાહસી લોકોએ પોતાની લગન, સમર્પણ અને પ્રતિભાના માધ્યમથી દેશના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. કામના છે કે ઉત્તરાખંડ વિકાસ અને સમૃદ્ધિના નવા પ્રતિમાન સ્થાપિત કરતું રહે અને દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપતું રહે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે, પોતાની અદ્ભુત પ્રાકૃતિક સુંદરતા, સમૃદ્ધ આધ્યાત્મિક વિરાસત અને જીવંત લોક સંસ્કૃતિ સાથે, ઉત્તરાખંડ આપણા દેશનું સાંસ્કૃતિક કેન્દ્ર પણ છે. રાષ્ટ્ર સેવા અને માતૃભૂમિ પ્રત્યે સમર્પણની ભાવનાથી લઈને સાહિત્ય, કલા અને સંસ્કૃતિ સુધી, દેવભૂમિના લોકોએ અનેક ક્ષેત્રોમાં અગ્રણી ભૂમિકા ભજવી છે. આ રાજ્ય સુશાસન અને સમૃદ્ધિના પથ પર નિરંતર આગળ વધતું રહે, બાબા કેદાર પાસેથી એ જ કામના છે.
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે કહ્યું કે, અધ્યાત્મ, તીર્થયાત્રા, પ્રકૃતિ સંરક્ષણ અને પર્યાવરણ ચેતનાની જ્યોત જગાવનાર ઉત્તરાખંડ ઉત્તરોત્તર વિકાસ અને સમૃદ્ધિ તરફ અગ્રેસર થાય તથા પ્રત્યેક દુર્ગમ ગામ-ખીણના જન-જનનો ઉત્થાન થાય, એ જ કામના છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ