
કોલકાતા, નવી દિલ્હી, 09 નવેમ્બર (હિ.સ.) રાયગંજમાં 12 વર્ષીય છોકરીના અપહરણ, દુષ્કર્મ અને નિર્મમ હત્યાના કેસમાં ફરાર ચાલી રહેલા મુખ્ય આરોપી દિલીપ રાયને પોલીસે સોમવારે વહેલી સવારે એક અથડામણમાં ઠાર માર્યો. તપાસકર્તાઓ છેલ્લા ચાર દિવસથી તેની સઘન શોધખોળ કરી રહ્યા હતા. રાજ્યમાં નવી સરકારની રચના થયા બાદ આ પોલીસ અથડામણની ચોથી ઘટના છે. જોકે, આ પહેલાના ત્રણ કેસો (બારુઈપુર, ગાયઘાટા અને શમશેરગંજ)માં આરોપીઓ ધરપકડ બાદ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે માર્યા ગયા હતા, જ્યારે રાયગંજ કેસમાં આરોપીનું મૃત્યુ ધરપકડ પહેલા જ થઈ ગયું.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાયગંજ નિવાસી સગીર છોકરી ગત મંગળવારે (03 નવેમ્બર) સાંજે પોતાની સાયકલ પર ઘરેથી નીકળી હતી, ત્યારબાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોની ફરિયાદ બાદ પોલીસે સઘન શોધખોળ અભિયાન શરૂ કર્યું. ઘટનાના બે દિવસ પછી શુક્રવારે નજીકના કુલિકના જંગલોમાંથી સગીરાનો નગ્ન અને ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવ્યો. પરિવારજનોએ અપહરણ બાદ દુષ્કર્મ અને હત્યાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી હતી કે ક્યાંક આ સામૂહિક દુષ્કર્મનો કેસ તો નથી અને આ જઘન્ય અપરાધમાં કોઈ અન્ય પણ સામેલ તો નથી.
પોલીસ સતત મુખ્ય આરોપી દિલીપ રાયની શોધખોળ કરી રહી હતી. રવિવારે રાત્રે તપાસકર્તાઓને ગુપ્ત માહિતી મળી કે, આરોપી રાયગંજની ગૌરી ગ્રામ પંચાયત વિસ્તારમાં છુપાયેલો છે અને બિહાર સરહદના રસ્તે બીજા રાજ્યમાં ભાગવાની ફિરાકમાં છે. માહિતીના આધારે પોલીસની એક વિશેષ ટીમે રાત્રે લગભગ ત્રણ વાગ્યે વિસ્તારમાં દરોડો પાડ્યો. પોલીસ સૂત્રોનો દાવો છે કે, વહેલી સવારે જ્યારે પોલીસ ટીમ આરોપીના ઠેકાણા નજીક પહોંચી, ત્યારે પોલીસને જોતા જ દિલીપ રાયે ફાયરિંગ શરૂ કરી દીધું. આરોપી દ્વારા ચલાવવામાં આવેલી એક ગોળી પોલીસના વાહનના ટાયરમાં પણ વાગી. આ પછી પોલીસે પણ આત્મરક્ષામાં વળતો ગોળીબાર કર્યો, જેમાં દિલીપ રાયનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. અથડામણમાં માર્યા ગયેલા આરોપીનો મૃતદેહ હાલ રાયગંજ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મોર્ચરીમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
પશ્ચિમ બંગાળમાં વર્તમાન ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ આ ચોથી અથડામણ છે. પહેલો કેસ દક્ષિણ 24 પરગણાના બારુઈપુરનો હતો, જ્યાં એક કિશોરી પર દુષ્કર્મ અને હત્યાના આરોપી પ્રભાસ મંડળને ઘટનાના પુનર્નિર્માણ માટે લઈ જવામાં આવ્યો હતો અને પોલીસની બંદૂક છીનવીને ભાગવાનો પ્રયાસ કરતી વખતે વળતા ગોળીબારમાં તે માર્યો ગયો. બીજું અથડામણ ઉત્તર 24 પરગણાના ગાયઘાટામાં થયું, જ્યાં દુષ્કર્મ અને હત્યાના કેસમાં ધરપકડ કરાયેલ પ્રહ્લાદ દાસ ઘટનાના પુનર્નિર્માણ દરમિયાન ભાગવાનો પ્રયાસ કરતા પોલીસની ગોળીથી માર્યો ગયો. તે જ દિવસે મુર્શિદાબાદના શમશેરગંજમાં ભાજપ કાર્યકરની હત્યાના આરોપી સામાઉલ હકની પણ પોલીસ અથડામણમાં મોત થઈ હતી અને હવે રાયગંજનો આ કેસ આ યાદીમાં ચોથો છે.
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા રાજ્યના મંત્રી દિલીપ ઘોષે સ્પષ્ટ સંદેશ આપ્યો કે, જો કોઈ વ્યક્તિ કાયદો પોતાના હાથમાં લેશે અથવા તોડશે, તો તેને પોલીસનો સામનો કરવો જ પડશે. તેમણે કહ્યું કે પોલીસ આવી સ્થિતિમાં કડક પગલાં લેવા માટે બંધાયેલી રહેશે, તેથી બધાએ કાયદાના દાયરામાં રહીને ચાલવું જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / સંતોષ મધુપ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ