
બોટાદ, 20 ફેબ્રુઆરી (હિ.સ.)બોટાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ.બોટાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક બોટાદ જિલ્લા કલેકટર ડૉ. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ શાસકીય વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા અને જિલ્લાની પ્રગતિ, ચાલુ વિકાસકાર્યો તેમજ નાગરિકોની ફરિયાદોના નિવારણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
કલેકટરશ્રીએ તમામ વિભાગોના અધિકારીઓને નાગરિકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપવાની ખાસ સૂચના આપી હતી. તેમણે જણાવ્યું કે સરકારી યોજનાઓનો લાભ સમયસર અને પારદર્શક રીતે લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે દરેક વિભાગે સક્રિય ભૂમિકા નિભાવવી જરૂરી છે. ખાસ કરીને અરજીઓ અને ફરિયાદોના ઝડપી નિવારણ માટે સુમેળભર્યું કાર્ય જરૂરી હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું.
બેઠક દરમિયાન વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. માર્ગ, આરોગ્ય, શિક્ષણ, પાણી પુરવઠા અને ગ્રામ વિકાસ સંબંધિત કામગીરી અંગે અધિકારીઓ પાસેથી પ્રગતિ અહેવાલ મેળવવામાં આવ્યા હતા.
કલેકટરશ્રીએ સૂચન કર્યું કે તમામ કામગીરી નિયમો મુજબ, નિર્ધારિત સમયમર્યાદામાં અને ગુણવત્તા જાળવી પૂર્ણ કરવી જોઈએ. વિભાગો વચ્ચે સંકલન રાખીને કામ કરવાથી વિકાસની ગતિ વધુ તેજ બને છે અને જનહિતના કાર્યોમાં અસરકારક પરિણામ મળે છે.જનતા સાથે સતત સંવાદ અને જવાબદારીપૂર્ણ વલણ દ્વારા જ સારું શાસન શક્ય બને છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને વધુ સારી સેવા મળે તે માટે તમામ અધિકારીઓએ પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT