
સોમનાથ,25 ફેબ્રુઆરી (હિ.સ.) રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહિવટી તંત્ર-ગીર સોમનાથ દ્વારા યુવાઓને સાહસની પ્રેરણા પૂરી પાડતી વીર સાવરકર તરણ સ્પર્ધામાં ભાઈઓમાં પશ્ચિમ બંગાળના પ્રત્યાય ભટ્ટાચાર્યએ અને બહેનોમાં સુરતની તાશા મોદીએ દરિયા સામે બાથ ભીડતા સાહસનો પરિચય આપી અને સ્પર્ધા જીતી હતી.
આ સ્પર્ધાની એવોર્ડ સેરેમની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી. જેમાં પ્રથમ ક્રમાંકને 1,25,000 , દ્વિતિય ક્રમાંકને 75000 અને તૃતિય ક્રમાંકને 51000 ના પુરસ્કાર સહિત ટ્રોફી એનાયત કરવામાં આવ્યાં હતાં.
ભાઈઓ માટે ચોરવાડ થી વેરાવળ (21 નોટિકલ માઈલ) સુધી યોજાયેલી સ્પર્ધામાં ૦૫ કલાક ૩૦ મિનિટ અને ૦૭ સેકન્ડમાં પૂરી કરી પશ્ચિમ બંગાળના પ્રત્યાય ભટ્ટાચાર્યએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જ્યારે ગુજરાતના યુગ સેલરે ૦૫ કલાક ૪૬ મિનિટ ૪૦ સેકંડમાં સ્પર્ધા પૂરી કરી બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો અને ગુજરાતના ધ્રુવ ટાંકે ૦૫ કલાક ૫૪ મિનિટ અને ૪૮ સેકંડમાં સ્પર્ધા પૂરી કરી અને ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.
જ્યારે બહેનો માટે આદ્રીથી વેરાવળ (૧૬ નોટિકલ માઈલ) સુધી યોજાયેલી સ્પર્ધામાં સુરતની તાશા મોદીએ ૦૪ કલાક ૧૦ મિનિટ અને ૫૫ સેકંડમાં સ્પર્ધા પૂરી કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. મહારાષ્ટ્રની અનુજા ઉગ્લેએ ૦૪ કલાક ૨૬ મિનિટ અને ૪૨ સેકંડમાં સ્પર્ધા પૂરી કરી અને બીજો ક્રમાંક મેળવ્યો હતો અને કર્ણાટકની પી.વેનયશ્રીએ ૦૪ કલાક ૩૫ મિનિટ અને ૧૨ સેકંડમાં સ્પર્ધા પૂરી કરી અને ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.
રાજ્ય સરકાર તરફથી પ્રથમ ક્રમાંક મેળવનાર વિજેતાઓને રૂ.૫૦,૦૦૦, દ્વિતિય ક્રમાંક મેળવનારને રૂ.૩૫,૦૦૦ અને તૃતિય ક્રમાંક મેળવનાર વિજેતાઓને રૂ.૨૫,૦૦૦ની રાશિથી સન્માનિત કરાયાં હતાં.
તેમજ પૂજ્ય મોટા હરી ઓમ આશ્રમ તરફથી પ્રથમ ક્રમાંક મેળવનાર વિજેતાને રૂ. ૭૫,૦૦૦, દ્વિતિય વિજેતાને ૪૦,૦૦૦ અને ત્રીજા વિજેતાને રૂ ૨૬,૦૦૦ની પુરસ્કૃત રાશિ તેમજ સમયમર્યાદામાં સ્પર્ધા પૂર્ણ કરનાર ૪ થી ૧૦ ક્રમાંકના સ્પર્ધકોને રૂ.૯,૯૯૯ના પ્રોત્સાહક પુરસ્કારથી સન્માનિત કરાયા હતાં.
આ તકે, જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણાએ આભારવિધિ કરી હતી.
આ સેરેમનીમાં સંસ્કૃત યુનિવર્સિટી સ્પોર્ટ્સ ડિરેક્ટર જયેશ મુંગરા, પ્રાંત યુવા વિકાસ અધિકારી અશ્વિન સોલંકી, હરિઓમ આશ્રમના પ્રતિનિધિ મુકેશભાઈ, મોન્ટર્સ ક્લબના હેમલતાબહેન, ટેક્નીકલ એક્સપર્ટ વિપુલભાઈ, મેહુલભાઈ, ડૉ.જીતેન્દ્ર ચાવડા તેમજ સ્પર્ધકોના કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતાં.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ