

પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નં.–12 ખાતે આવેલ વિવેકાનંદ વિધાલયમાં ભારત સરકારની Swachh Bharat Mission 2.0 (સ્વચ્છ ભારત મિશન 2.0) યોજના અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિષયક તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન અને સૂચના અનુસાર આયોજનબદ્ધ રીતે સંપન્ન થયો હતો.ઉલ્લેખનીય છે કે સ્વચ્છ ભારત મિશન 2.0હેઠળ શહેરમાં સ્વચ્છતા, કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને સ્ત્રોતે જ કચરાના વર્ગીકરણ અંગે જાગૃતિ લાવવાના હેતુસર શૈક્ષણિક સંસ્થામાં તાલીમ કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો. વર્કશોપ દરમિયાન મહાનગરપાલિકાના અધિકારીઓ તથા નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકમંડળને કચરાનું સ્ત્રોતે જ વર્ગીકરણ (સોર્સ સેગ્રેગેશન) કરવાની પ્રક્રિયા, તેની આવશ્યકતા તથા તેના લાંબા ગાળાના પર્યાવરણલક્ષી ફાયદાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ દરમ્યાન ભીના અને સૂકા કચરાના યોગ્ય નિકાલ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ભીનો કચરો (Wet Waste): રસોડામાંથી નીકળતું જૈવિક કચરું, શાકભાજી અને ફળોના છાલ, બચેલ ખાદ્યપદાર્થ વગેરે ભીના કચરામાં સમાવેશ થાય છે. આ પ્રકારનો કચરો લીલા રંગના ડબ્બામાં એકત્રિત કરવાથી ખાતર નિર્માણ તથા કમ્પોસ્ટિંગ માટે તેનો યોગ્ય ઉપયોગ શક્ય બને છે. સૂકો કચરો (Dry Waste): કાગળ, કાર્ડબોર્ડ, પ્લાસ્ટિક, બોટલ, રેપર, લોખંડ, કાચ વગેરે સૂકા કચરામાં આવે છે. આ પ્રકારનો કચરો વાદળી રંગના ડબ્બામાં મૂકવાથી રિસાયક્લિંગ પ્રક્રિયા સરળ બને છે અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ થતું હોવા મુદે વિસ્તૃતમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ઘરે તથા આસપાસના વિસ્તારમાં કચરાનું યોગ્ય વિભાજન કરીને પર્યાવરણનું સંરક્ષણ, રિસાયક્લિંગમાં વધારો તથા સ્વચ્છ અને આરોગ્યપ્રદ શહેર નિર્માણમાં પોતાનો સક્રિય ફાળો આપવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓએ “મારો કચરો – મારી જવાબદારી”નો સંદેશ આપી વિદ્યાર્થીઓને સ્વચ્છતા અભિયાનમાં આગેવાની લેવાની અપીલ કરી હતી. તેમજ શાળા સ્તરે સ્વચ્છતા પ્રતિજ્ઞા લેવડાવી, દૈનિક જીવનમાં સ્વચ્છતા જાળવવા તથા અન્ય લોકોને પણ જાગૃત કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને કચરામુક્ત અને સ્વચ્છ બનાવવા માટે આવનારા સમયમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમો, તાલીમ શિબિરો અને જાહેર અભિયાનો યોજવામાં આવશે, તેવી માહિતી મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya