
પાટણ, 20 ફેબ્રુઆરી (હિ.સ.)સિદ્ધપુર શહેરના સન પ્લાઝા પાસે જૂની અદાવતને કારણે એક યુવક પર લોખંડના પંચ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદી નિરવભાઈ રાજનભાઈ ભટ્ટના દીકરાના બાઈક સાથે આરોપી કલ્પ જોષીનું બાઈક અગાઉ અથડાતા બંને પક્ષ વચ્ચે અદાવત ચાલી રહી હતી. આ જ અદાવતને કારણે આ હુમલો થયો હોવાનું સામે આવ્યું છે.
આરોપી કલ્પ જોષી, ભવ્ય કમલેશભાઈ જોષી, પ્રયાગ જોષી, વિજય દશરથભાઈ જોષી અને એક અજાણ્યા શખ્સે ગેરકાયદેસર મંડળી રચી હુમલો કર્યો હતો. ભવ્ય જોષીએ પોતાના હાથમાં લોખંડનો પંચ લઈને ફરિયાદી અને સાક્ષીને ગાળો બોલી મારપીટ કરી હતી તેમજ પંચ વડે માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ બનાવ અંગે સિદ્ધપુર પોલીસ મથકે પાંચેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ પાટણના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરવા બદલ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ