જામનગર પાલિકાના પટાંગણમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સામે 40 ટકા કમિશનના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન
જામનગર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની લગભગ અંતિમ જનરલ બોર્ડની બેઠક મળી ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા 40 ટકા કમિશન સાથેનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, તેવા આક્ષેપો સાથે હાથમ
કોંગ્રેસનું પ્રદર્શન


જામનગર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) :

જામનગર મહાનગરપાલિકાની લગભગ અંતિમ જનરલ બોર્ડની બેઠક મળી ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા 40 ટકા કમિશન સાથેનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, તેવા આક્ષેપો સાથે હાથમાં બેનર પોસ્ટર લઈને કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં મહાનગરપાલિકાના પટાંગણમાં આવી પહોંચ્યા હતા.

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલભાઇ નંદા, વગેરેની આગેવાનીમાં અતિ સંખ્યામાં કોંગી કાર્યકરો પોતાના હાથમાં બેનર પોસ્ટર સાથે આવ્યા હતા, અને સૂત્રોચાર કર્યા હતા.

મહાનગરપાલિકાની જનરલ બોર્ડની અંતિમ બેઠક મળી હતી, ત્યારે કોંગી કાર્યકરોએ જનરલ બોર્ડમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સિક્યુરિટી વિભાગે દરવાજા બંધ કરી દીધા હતા.

દરમિયાન કોંગી કાર્યકરોએ અંદર ઘુસવાનો પ્રયત્ન કરતાં હાજર રહેલા પોલીસકર્મીઓએ કોંગી કાર્યકરો ને ખેંચી ખેંચીને બહાર કાઢ્યા હતા, ત્યારે થોડો સમય માટે અફડાતફડીના દ્રશ્યો સર્જાયા હતા. જોકે પાછળથી મામલો શાંત થયો હતો, અને જનરલ બોર્ડની કાર્યવાહી પણ શરૂ થઈ હતી. જો કે તેમાં પણ વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ રખાયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande