હોળી-ધૂળેટી માટે GSRTCનું વિશેષ આયોજન: 1300 વધારાની બસો અને 7500 ટ્રિપ્સની તૈયારી
સુરત, 20 ફેબ્રુઆરી (હિ.સ.) હોળી અને ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ 2026 દરમિયાન રાજ્યભરમાં આશરે 1300 વધારાની બસો દોડાવવામાં આવશે અ
Surat


સુરત, 20 ફેબ્રુઆરી (હિ.સ.) હોળી અને ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ 2026 દરમિયાન રાજ્યભરમાં આશરે 1300 વધારાની બસો દોડાવવામાં આવશે અને કુલ 7500 જેટલી વધારાની ટ્રિપ્સનું આયોજન કરાયું છે. તહેવારો દરમિયાન વતન પરત ફરતા મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા આ ખાસ આયોજન હાથ ધરાયું છે.

અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજ સહિતના શહેરોમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ અને છોટા ઉદેપુર જેવા વિસ્તારો તરફ વધારાની બસ સેવા ઉપલબ્ધ રહેશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બુકિંગ અને મુસાફરોની માંગ મુજબ વધુ ટ્રિપ્સ ઉમેરવાની પણ તૈયારી રાખવામાં આવી છે, જેથી કોઈ મુસાફરને મુશ્કેલી ન પડે.

ધાર્મિક સ્થળોએ જતા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને ડાકોર અને દ્વારકા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આશરે 450 બસો દ્વારા લગભગ 3500 ટ્રિપ્સ ચલાવવામાં આવશે, જેથી તહેવારો દરમિયાન દર્શનાર્થીઓને સરળતાથી પહોંચવાની સુવિધા મળી રહે અને ટ્રાફિકનું ભારણ ઓછું થાય.

મુસાફરો માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે બુકિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે. સત્તાવાર વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા એડવાન્સ તેમજ કરંટ બુકિંગ કરી શકાશે, તેમજ નજીકના ડેપો પરથી પણ ટિકિટ મળી શકશે. નિગમ દ્વારા આગોતરા બુકિંગ કરવાની અપીલ કરવામાં આવી છે, જેથી તહેવારની ભીડમાં અવ્યવસ્થા ટાળી શકાય.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande