
ગીર સોમનાથ 20 ફેબ્રુઆરી (હિ.સ.)જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય તથા ઈન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે વિવિધ તાલુકાઓમાં પેટ્રોલિંગ તથા દરોડા પાડી ખનીજ ચોરી પર અંકૂશ લાવવા કડક હાથે કામગીરી હાથ ધરી છે.
ખનીજ ચોરી અંગે જિલ્લામાં ગત ત્રણ વર્ષમાં કરવામાં આવેલા કેસો તથા વસૂલાતો અંગે વિગતો જોઈએ તો વર્ષ ૨૦૨૩-૨૪માં બિનઅધીકૃત ખનન-વહન-સંગ્રહ અન્વયે ૧૮૪ કેસો કરી રૂ. ૧૫૫.૪૨ લાખની વસૂલાત તેમજ વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૮૪ કેસો કરી રૂ.૩૦૧.૭૧ લાખની વસૂલાત તેમજ ૦૩ કોર્ટ કેસ/એફ.આઈ.આર અને વર્ષ ૨૦૨૫-૨૬ (જાન્યુઆરી-૨૬)માં બિનઅધીકૃત ખનન-વહન-સંગ્રહ અન્વયે ૪૩૮ કેસો કરી રૂ.૩૯૩.૯૮ લાખની વસૂલાત તેમજ ૦૫ કોર્ટ કેસ/એફ.આઈ.આર કરવામાં આવ્યાં છે.
વહીવટી તંત્રએ કડક હાથે કામ લેતાં મહેસૂલી રોયલ્ટીની આવકમાં પણ ઉત્તરોત્તર વધારો થયો છે. વર્ષ ૨૦૨૩-૨૪ ની કુલ આવક રૂ.૬૦૮૯.૭૩ લાખ તથા વર્ષ ૨૦૨૪-૨૫ ની કુલ આવક રૂ. ૬૫૬૫.૩૪ લાખ તથા વર્ષ ૨૦૨૫-૨૬(જાન્યુઆરી) સુધીની આવક રૂ.૫૬૫૧.૨૫ લાખ થઈ છે.
તેમજ વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કામ લેતાં નિયમને નેવે મૂકી ચાલતા વાહનો તથા ખનીજ ચોરી કરતા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.
આમ,ભવિષ્યમાં પણ ગીર સોમનાથ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ખનીજચોરી સામે અસરકારક કામગીરી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ