
સુરત, 20 ફેબ્રુઆરી (હિ.સ.) રાજ્યભરની સગર્ભા, ધાત્રી માતાઓ અને બાળકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ આપી માતા અને બાળમૃત્યુદર ઘટાડવાનાં હેતુથી કાર્યરત રાજ્ય સરકારના જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ(JSSK) હેઠળ વર્ષ 2012થી સુરત સહિત રાજ્યભરમાં “ખિલખિલાટ વાન સેવા”ની શરૂઆત કરાઈ છે. જે અંતર્ગત સગર્ભા, ધાત્રીઓ અને શિશુઓને બિન-ઇમરજન્સી કિસ્સાઓમાં ઘરેથી જાહેર આરોગ્ય સંસ્થા સુધી નિઃશુલ્ક પરિવહન સેવા આપવામાં આવે છે.
રાજ્ય સરકારના જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ(JSSK) હેઠળ કાર્યરત ‘ખિલખિલાટ વાન’ સેવા દ્વારા સુરતમાં જાન્યુ.2025 થી જાન્યુ.2026ના એક વર્ષ દરમિયાન કુલ 1.33 લાખ સગર્ભા, ધાત્રી માતાઓ અને નવજાત શિશુઓના જીવનમાં ‘ખુશીઓનો ખિલખિલાટ’ રેલાયો છે.
સુરત સિવિલના હોસ્પિટલ બેઝડ કો-ઓર્ડીનેટર વિપીક્ષા પટેલે જણાવ્યું કે, ખિલખિલાટ સેવા હેઠળ સુરતમાં ગ્રામ્યમાં 6 અને શહેરમાં 21 મળી કુલ 27 વાહનો સેવારત છે, જે અંતર્ગત જાન્યુ.2025થી જાન્યુ.2026માં સુરત ગ્રામ્યના 35,938 અને શહેરના 97,900 મળી કુલ 1,33,838 લાભાર્થીઓએ લાભ લીધો છે.
ખિલખિલાટ વાન હેઠળ સુરત જિલ્લાની તમામ સગર્ભા, ડિલીવરી બાદ 42 દિવસ સુધી માતાઓને અને 1 વર્ષ સુધીના નવજાત શિશુઓને રેફરલ કે આરોગ્યની સેવાઓ માટે ઘરથી જાહેર આરોગ્ય સંસ્થા સુધી નિઃશુલ્ક પરિવહન સેવા આપવામાં આવે છે. આ સેવામાં લાભાર્થી 108 દ્વારા કે તેમને અપાયેલા નંબર થકી અમને ડાયરેક્ટ સંપર્ક કરી પરિવહનની જરૂરીયાત અંગે જણાવે છે. અને અમે એ પ્રમાણે અહીં વાહનની સગવડ કરીએ છીએ. જેમાં 25 કિ.મી સુધી પિક અપ અને 200 કિ.મી સુધી ડ્રોપ અપની સુવિધા અપાય છે. જેનાથી માતા અને શિશુ આર્થિક અને શારીરિક શ્રમ વિના સુરક્ષિત પરિવહન કરી શકે અને તેઓના સ્વાસ્થયની યોગ્ય સંભાળ લઇ શકે છે.
રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી મહિલા અને બાળકોની લેવાતી યોગ્ય દરકારને પરિણામે રાજ્યભરમાં માતા અને નવજાત શિશુનો મૃત્યુદર ઘટાડી તેઓના તંદુરસ્ત સ્વાસ્થ્યમાં ઉત્તરોઉત્તર સુધારો શક્ય બન્યો છે.
ખિલખિલાટ વાહનને કારણે સુરક્ષિત રીતે મારા બાળક સાથે નિયમિત રીતે ચેકઅપ માટે અવર-જવર કરું છું: લાભાર્થી રશ્મિદેવી
સુરતના પાંડેસરામાં રહેતા રશ્મિદેવી કહે છે કે, ડિલીવરીના સમયથી તેઓ આ સેવાનો લાભ લઇ રહ્યા છે. રાજ્ય સરકારની ખિલખિલાટ સેવાના કારણે હું મારા નાના બાળક સાથે સ્વતંત્ર અને સુરક્ષિત રીતે ચેકઅપ માટે નિયમિત અવર-જવર કરું છું. આ સેવા અમારા જેવી અનેક માતાઓ માટે આશીર્વાદ સમાન છે.
રાજ્ય સરકાર તરફથી મળતી આ સુવિધાને કારણે પહેલા સંપૂર્ણ ગર્ભાવસ્થા અને ત્યારબાદ હવે નવજાત શિશુ સાથે અમે નિશ્ચિંત રીતે હોસ્પિટલ આવનજાવન કરી શકું છું: લાભાર્થીના પતિ મિથલેશ ગુપ્તા.
શહેરના સચિનમાં રહેતા નીલેશભાઈ તેમની પત્ની અને નવજાત શિશુ સાથે નિયમિત ખિલખિલાટ સેવાનો લાભ લઇ રહ્યા છે. રાજ્ય સરકારનો આભાર માનતા તેઓ કહે છે કે, પહેલા ગર્ભાવસ્થા અને હવે બાળક સાથે અમે નિશ્ચિંત રીતે હોસ્પિટલ આવનજાવન કરી શકીએ છીએ. સાથે જ આ સેવાને પરિણામે અમારા જેવા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પરિવહનના આર્થિક ભારણમાંથી છુટકારો મળે છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે