
મહેસાણા, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : મહેસાણા જિલ્લા કલેક્ટર તથા મોટી સંખ્યામાં અધિકારીઓએ બેચરાજી તાલુકાના કાલરી ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શાળાની શૈક્ષણિક વ્યવસ્થા અને ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ કરીને તેમના અભ્યાસ, હાજરી, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને શાળામાં મળતી સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ, સ્વચ્છતા અને શિસ્ત અંગે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે શાળાના વર્ગખંડો, પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા વ્યવસ્થા, મધ્યાહન ભોજન, રમતું મેદાન તેમજ શૈક્ષણિક સાધનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટરશ્રીએ શિક્ષકો સાથે ચર્ચા કરી શિક્ષણની ગુણવત્તા વધુ સુધારવા, બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવા અને નવીન શૈક્ષણિક પદ્ધતિઓ અપનાવવા માર્ગદર્શન આપ્યું.
ઉપરાંત, શાળાના સ્ટાફને શૈક્ષણિક આયોજન સમયસર પૂર્ણ કરવા, વિદ્યાર્થીઓની હાજરી વધારવા અને શાળા પરિસરમાં સુરક્ષા તથા સ્વચ્છતા જાળવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી. અધિકારીઓએ પણ શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાસભર વાતાવરણ સર્જવા સંકલિત પ્રયાસો કરવાની અપેક્ષા વ્યક્ત કરી, જેથી ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો સ્તર વધુ મજબૂત બને.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR