
પાટણ, 20 ફેબ્રુઆરી (હિ.સ.) રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે 18થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન ગુજકોસ્ટ-ગાંધીનગર દ્વારા ગણિત વિષયક ત્રણ દિવસીય શિક્ષક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. પાટણ, વાવ-થરાદ, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, અમદાવાદ અને ખેડા સહિત 7 જિલ્લાના શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં વિવિધ વિષય નિષ્ણાતોએ ગણિત શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), વૈદિક ગણિત અને આધુનિક શૈક્ષણિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષકોને સર્જનાત્મક પ્રવૃત્તિઓ, વૈજ્ઞાનિક અભિગમ અને ટેક્નોલોજીના અસરકારક ઉપયોગ અંગે પ્રાયોગિક માહિતી આપવામાં આવી. સાથે જ મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસન રામાનુજન જીવન અને કાર્ય પર આધારિત ડોક્યુમેન્ટરી પ્રદર્શન પણ યોજાયું, જે પ્રેરણાદાયક સાબિત થયું.
કાર્યક્રમના અંતે તમામ શિક્ષકોને ગણિતની પ્રાયોગિક કીટ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટરે ગુજકોસ્ટના અધિકારીઓનો આભાર વ્યક્ત કરી જણાવ્યું કે આ તાલીમથી શિક્ષકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને નવીન શિક્ષણ પદ્ધતિઓ પ્રત્યે વધુ રસ વિકસ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ