
મહેસાણા, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : અગ્ર સચિવ (શિક્ષણ)ના અધ્યક્ષસ્થાને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-10 અને ધોરણ-12ની જાહેર પરીક્ષાના આયોજન બાબતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી. આ બેઠક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી જેમાં સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.
બેઠક દરમિયાન પરીક્ષા કેન્દ્રોની તૈયારીઓ, પ્રશ્નપત્રોની સુરક્ષા, સીસીટીવી દેખરેખ, પોલીસ બંદોબસ્ત, પરીક્ષાર્થીઓ માટેની સુવિધાઓ તથા પરીક્ષા પ્રક્રિયા નિષ્ઠાપૂર્વક પૂર્ણ થાય તે માટે જરૂરી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓને સૂચના આપવામાં આવી કે પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ચુસ્ત આયોજન અને સંકલન સાથે કામગીરી કરવી.
ઉપરાંત, પરીક્ષા કેન્દ્રોમાં સ્વચ્છતા, શાંતિપૂર્ણ વાતાવરણ, ટ્રાફિક વ્યવસ્થા તેમજ આરોગ્ય સંબંધિત સુવિધાઓ સુનિશ્ચિત કરવા ખાસ ભાર મૂકવામાં આવ્યો. સમીક્ષા બેઠકમાં હાજર રહી સંબંધિત વિભાગોએ જરૂરી માર્ગદર્શન મેળવ્યું અને બોર્ડની સૂચનાઓ મુજબ પરીક્ષાનું આયોજન સુચારૂ, પારદર્શક અને વિઘ્નરહિત રીતે પૂર્ણ થાય તે માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR