
અમરેલી,20 ફેબ્રુઆરી (હિ.સ.) : સાવરકુંડલાની પવિત્ર ધરા પર આજે ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળ્યો હતો. સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આયોજિત ચતુર્થ 'સાવરકુંડલા થી દ્વારકા પદયાત્રા સંઘ'નું આજે અત્યંત ભક્તિમય વાતાવરણમાં પ્રસ્થાન થયું હતું. માલધારી ચોકથી શરૂ થયેલા આ સંઘમાં 'જય દ્વારકાધીશ'ના ગગનભેદી નાદ સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું.
આ સંઘના પદયાત્રાના પ્રસ્થાન પૂર્વે માલધારી ચોક સ્થિત રાધાકૃષ્ણ મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. નાના ઝીંઝુડા મોમાઈ માતાજી મંદિરના મહંત મસા પીર બાપુના અધ્યક્ષ સ્થાને મહાયજ્ઞની પૂર્ણાહુતિ થઈ હતી. ત્યારબાદ બાપુના હસ્તે પદયાત્રીઓને આશીર્વાદ આપી સંઘને રવાના કરવામાં આવ્યો હતો.
આ વર્ષે પદયાત્રામાં સાવરકુંડલા અને આસપાસના જિલ્લાઓ ઉપરાંત દેશ-વિદેશથી પણ શ્રદ્ધાળુઓ ખાસ જોડાયા છે.
આ સંઘના પ્રસ્થાન સમયે વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓ પર પુષ્પવર્ષા કરી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ઠેર-ઠેર સેવાભાવી મંડળો દ્વારા શરબત, આઈસ્ક્રીમ અને ઠંડા પાણીના પરબ બનાવી પદયાત્રીઓની સેવા કરવામાં આવી હતી
સવારે 11:00 કલાકે તમામ ભાવિકો માટે વિશાળ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેના મુખ્ય દાતા પૂજ્ય મસા પીર બાપુ રહ્યા હતા.
છોડ ફિકર દુનિયા કી ચલ દ્વારકા ચલતે હૈ ના નારા સાથે પદયાત્રીઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. યાત્રા દરમિયાન પદયાત્રીઓ માટે રહેવા, જમવા અને મેડિકલ સહાયની પણ સુંદર વ્યવસ્થા દાતાઓના સહયોગથી કરવામાં આવી છે.
સમસ્ત ભરવાડ સમાજ - સાવરકુંડલા દ્વારા આ ભવ્ય આયોજનમાં સહભાગી થનાર તમામ રાજકીય-સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓ અને દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ પદયાત્રા આગામી દિવસોમાં દ્વારકાધીશના જગતમંદિરે પહોંચી ધજા રોહણ કરી ધન્યતા અનુભવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai