


મહેસાણા, 20 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા જિલ્લાના ખેરવા ગામમાં આવેલી શ્રી જયકોરબાઈ વિદ્યામંદિર છેલ્લા 86 વર્ષથી ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો પ્રકાશ ફેલાવી રહી છે. વર્ષ 1945માં સ્વ. વિશ્વનાથ કલ્યાણજી પંચોલીએ એક લાખ રૂપિયાનું દાન આપી શાળાની સ્થાપના કરી હતી. નાના પાયે શરૂ થયેલી આ સંસ્થા આજે વિસ્તારની અગત્યની શૈક્ષણિક સંસ્થા બની છે.
હાલ શાળાના પ્રાથમિક વિભાગમાં આશરે 150 અને કન્યા કુમાર તેમજ માધ્યમિક વિભાગમાં 633 મળી કુલ 783 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ખેરવા ઉપરાંત દેવરાસણ, રામપુરા, હેબુઆ અને કડવાસણ સહિતના લગભગ 10 ગામોના વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ મેળવે છે. શાળામાં શિક્ષણ સાથે રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને જનરલ નોલેજ જેવી ઇનોવેટિવ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવે છે.
શાળાના શિક્ષક ભાવિનકુમાર શાહને તાજેતરમાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન મળ્યું છે, જે શાળા માટે ગૌરવની બાબત છે. આચાર્ય દિલીપકુમાર ગઢવીના માર્ગદર્શન હેઠળ શિક્ષકો સતત તાલીમ મેળવી ગુણવત્તાસભર શિક્ષણ આપી રહ્યા છે.
આ રીતે શ્રી જયકોરબાઈ વિદ્યામંદિર ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ અને સંસ્કારનું પ્રેરણાધામ બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR