
જામનગર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) :
જામનગરમાં ગણેશ મરાઠા મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની 399મી જન્મજયંતિ નિમિત્તે ગુરુવાર, 19 ફેબ્રુઆરીના રોજ ભવ્ય શોભાયાત્રા અને મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર અવસરે શહેરના રાજમાર્ગો કેસરીયા માહોલ અને શિવાજી મહારાજના જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા.
ઉજવણીના પ્રારંભે મહાકાળી મંદિર, પસાયાથી જામનગર સુધી મશાલ યાત્રા યોજાઈ હતી. ત્યારબાદ ચાંદી બજાર વિસ્તારમાંથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. આ યાત્રામાં શિવાજી મહારાજની પ્રતિમા સાથેનો આકર્ષક ફ્લોટ્સ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. પારંપારિક વેશભૂષામાં સજ્જ બાળકો અને મહારાષ્ટ્રીયન મહિલાઓએ પ્રસ્તુત કરેલા લેઝિમ નૃત્યે લોકોના દિલ જીતી લીધા હતા.
આ શોભાયાત્રા ચાંદી બજારથી શરૂ થઈ સેન્ટ્રલ બેન્ક રોડ, હવાઈ ચોક, ભાટની આંબલી, પંચેશ્વર ટાવર અને બેડી ગેટ થઈને ફરી ચાંદી બજાર ખાતે સંપન્ન થઈ હતી. છેલ્લા 41 વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવતા મંડળ દ્વારા આ ચોથી વખત શિવાજી જયંતિની વિશેષ ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન પરિવારો જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt