
સુરત, 20 ફેબ્રુઆરી (હિ.સ.) શહેરના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શાંતિનગર પોલીસ ચોકી નજીક આવેલી ગલીમાં લગ્ન પ્રસંગ દરમિયાન અજાણ્યા શખ્સોએ ગોળીબાર કરતા ખુશીના માહોલમાં અચાનક અફરાતફરી મચી ગઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ, વિસ્તારમાં એક પરિવારમાં હલ્દીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ગીત-સંગીત અને નાચગાન વચ્ચે અચાનક ગોળીબારના અવાજો સંભળાતા મહેમાનોમાં ભય ફેલાયો હતો. હુમલાખોરોએ પિન્ટુ નામના યુવકને નિશાન બનાવી ફાયરિંગ કર્યું હતું, જેમાં ગોળી તેના પગમાં વાગતા તે ઇજાગ્રસ્ત થયો હતો.પરિવારજનો અને સ્થાનિક લોકોએ તરત જ ઇજાગ્રસ્ત યુવકને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ તેની સ્થિતિ સ્થિર છે.
ઘટનાની ગંભીર બાબત એ છે કે ગોળીબાર શાંતિનગર પોલીસ ચોકીની નજીક જ થયો હોવા છતાં હુમલાખોરો નિર્ભય બની ફરાર થઈ ગયા, જેના કારણે કાયદો અને વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા થયા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. FSL ટીમે સ્થળ પરથી પુરાવા એકત્રિત કર્યા છે અને આસપાસના CCTV ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.
આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ જોવા મળ્યો છે, જેને પગલે પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે