
જામનગર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) :
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષા જળ સંચયના આહવાનથી પ્રેરિત થઈને, જામનગરની બે અગ્રણી સેવાભાવી સંસ્થાઓ, BJS જૈન સંગઠન ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઓફ જામનગર, સંયુક્ત રીતે જળ સંચય અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચોમાસા પહેલા જામનગર જિલ્લાના 28 ગામડાઓના તળાવો ઊંડા ઉતારી 35 કરોડ લીટર વર્ષા-જળ સંગ્રહ ક્ષમતા વધારવાનો છે.
અગાઉ, BJS જૈન સંગઠન જામનગર દ્વારા વર્ષ 2024 અને 2025માં 12 ગામડાઓના 15 તળાવો ઊંડા ઉતારી 18 કરોડ લીટર વર્ષા-જળ સંગ્રહ ક્ષમતા વધારવામાં આવી હતી. આ સફળતાથી પ્રોત્સાહિત થઈને, બંને સંસ્થાઓએ આ મોટા પાયેના જળ સંચય કાર્યક્રમ માટે કમર કસી છે.
આ કાર્યક્રમ હેઠળ, જામનગર જિલ્લાના ગામડાઓમાં સર્વે અને ગ્રામ-સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા સુજલામ સુફલામ નો પરિપત્ર જાહેર થતાં જ મચ્છુ-બેરાજા, ડબાસંગ, આરબલુસ, આરીખાણા, ચંપા-બેરાજા, ઠેબા, સડોદર, રાવલસર, બાલાચડી, ઈશ્વરીયા, ધ્રોલ, મોટા-વાગુદડ, ધુન-ધોરાજી જેવા કુલ 28 ગામના તળાવો ઊંડા ઉતારવાનું કાર્ય શરૂ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt