સાવરકુંડલામાં માનવતાનો મહાકુંભ: 51 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા, સેવા અને ભક્તિનો રચાયો ત્રિવેણી સંગમ
અમરેલી, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : અમરેલી જિલ્લાના સાવરકુંડલાની પવિત્ર ધરા પર સેવા, સમર્પણ અને સામાજિક સમરસતાનો એક અનોખો નજારો જોવા મળ્યો હતો. શહેરના તાત્કાલિક હનુમાન રોડ કેવડાપરા વિસ્તારમાં ''જય અલખધણી અને ગોપી મહિલા મંડળ'' દ્વારા આયોજિત 51 સર્વજ્
સાવરકુંડલામાં માનવતાનો મહાકુંભ: ૫૧ દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા, સેવા અને ભક્તિનો રચાયો ત્રિવેણી સંગમ*


અમરેલી, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : અમરેલી જિલ્લાના સાવરકુંડલાની પવિત્ર ધરા પર સેવા, સમર્પણ અને સામાજિક સમરસતાનો એક અનોખો નજારો જોવા મળ્યો હતો. શહેરના તાત્કાલિક હનુમાન રોડ કેવડાપરા વિસ્તારમાં 'જય અલખધણી અને ગોપી મહિલા મંડળ' દ્વારા આયોજિત 51 સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ અત્યંત ભવ્યતા અને દિવ્યતા સાથે સંપન્ન થયો હતો. આ મંગલ પ્રસંગ નાના ઝીંઝુડાના મોમાઈ માતાજી મંદિરના મહંત શ્રી મસાપીર બાપુની દિવ્ય પ્રેરણા અને સીધા માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

આ સમૂહ લગ્નોત્સવમાં 51 નવદંપતીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો હતો. લગ્ન વિધિના મુખ્ય આચાર્ય તરીકે વિજયભાઈ જાની (ગોલ્ડન દાદા) એ પોતાની આગવી શૈલીમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન દ્વારા લગ્ન સંપન્ન કરાવ્યા હતા. મસાપીર બાપુના આશીર્વાદથી દરેક દીકરીને નવો સંસાર વસાવવા માટે પલંગ, કબાટ, વાસણો અને અન્ય જરૂરી ઘરવખરી સહિતનો તમામ નાની-મોટી ચીજવસ્તુઓનો ભવ્ય કરિયાવર આપવામાં આવ્યો હતો, જેનાથી જરૂરિયાતમંદ પરિવારોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

આ મહોત્સવમાં સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી 20 હજારથી વધુ મહેમાનોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. ભોજન સમારંભના મુખ્ય દાતા તરીકે પૂજ્ય મસાપીર બાપુએ ઉદાર હાથે સહયોગ આપ્યો હતો. લગ્નની સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે એક રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું, જેમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક લોહીનું દાન કરી સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કર્યું હતું.

આ અવસરે વિવિધ ધાર્મિક સ્થાનોના સંતો-મહંતો તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી. તમામ મહાનુભાવોએ નવદંપતીઓને અક્ષતથી વધાવી સુખી દામ્પત્ય જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા. બપોરે જ્યારે દીકરીઓની વિદાય વેળા આવી ત્યારે સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું.

આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે 'જય અલખધણી અને ગોપી મહિલા મંડળ' તથા સમૂહ લગ્ન સમિતિના સ્વયંસેવકોએ દિવસ-રાત જોયા વગર જહેમત ઉઠાવી હતી. આયોજક સમિતિએ જણાવ્યું હતું કે, સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓના લગ્ન પ્રસંગે સહભાગી થવું એ જ સાચી ઈશ્વર સેવા છે.

આ મહોત્સવ ભક્તિમય માહોલને કારણે સમગ્ર સાવરકુંડલા પંથકમાં આ ઐતિહાસિક આયોજનની ચોમેર પ્રશંસા થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande