
વલસાડ,20 ફેબ્રુઆરી (હિ.સ.) વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુખ્યાત ગણાતા કુંભઘાટ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતને પગલે કુંભઘાટ મરણ ચિચિયારીઓઓથી ગૂંજી ઉઠ્યું હતું. આજે શુક્રવારે કુંભઘાટ પાસે ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા સાત લોકોને મોત નીપજ્યા છે, જ્યારે બે લોકોની હાલત ગંભીર છે. મળતી માહિતી અનુસાર, એક જ પરિવારના સાત સભ્યોના મોત નીપજ્યા છે. જ્યારે બે લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મૃતકોમાં પાંચ પુરુષ એક મહિલા અનેક બાળકીનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ મોતને ભેટેલા તમામ લોકો કપરાડાના આંબા જંગલ ગામના હતા. જેઓ કપરાડાથી નાનાપોંઢા તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન કુંભઘાટ પર આ ઘટના બની હતી. એક જ ગામના 7 લોકોના મોતને પગલે પંથકમાં શોકની કાલિમા છવાઈ છે.
કપરાડા તાલુકાના કુખ્યાત ગણાતા કુંભઘાટ પર આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવતી ટ્રક અને ઇકો કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક જ પરિવારના 7 સભ્યોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતા ચકચાર મચી ગઈ છે.
વિચિત્ર અકસ્માતમાં એક પરિવારના 7 સભ્યોએ જીવ ગુમાવ્યાનું બહાર આવ્યું છે.
ટ્રક અને ઈકો કાર વચ્ચે થયેલો અકસ્માત એટલો કંપારી છોડાવી દે તેવો હતો કે ટ્રકની પાછળના ભાગે ઈકો કારનો પાછળનો ભાગ એક બાજુથી દબાઈ ગયો હતો. અંદર રહેલા પરિવારના સભ્યો ચગદાઈ ગયા હતા
અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.આંબા જંગલ ગામના એક જ પરિવારના સામૂહિક મોતના સમાચાર મળતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતની જાણ થતાં સમગ્ર પંથકમાં ભારે ગમગીની વ્યાપી છે. જ્યારે મૃતકોની ઓળખ સહિતની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઇને પણ તપાસ કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ