

પાટણ, 21 ફેબ્રુઆરી (હિ.સ.)સિદ્ધપુરની શ્રી કેળવણી સહાયક મંડળ સંચાલિત પી.જે.એ. એન્ડ આર.કે. શાહ ગર્લ્સ હાઈસ્કૂલમાં 21 ફેબ્રુઆરી, 2026ના રોજ ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીનીઓ માટે વિદાય સમારંભ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મંડળના પ્રમુખ અશોક ઠાકર, મંત્રી મનીષ આચાર્ય, આમિર મોમીન, પાયલબેન તેમજ શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવ્યો હતો. સુપરવાઈઝર વિપુલ પ્રજાપતિએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું, જ્યારે વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કરી સૌનું અભિવાદન કર્યું હતું. આચાર્યા સરસ્વતીબેને પોતાના પ્રવચનમાં બોર્ડ પરીક્ષા દરમિયાન રાખવાની સાવચેતીઓ અને પ્રશ્નપત્ર લખવાની યોગ્ય પદ્ધતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
મંડળના મંત્રી મનીષ આચાર્યએ વિદ્યાર્થી જીવનમાં શિસ્ત અને સંસ્કારના મહત્વ પર ભાર મૂકતા પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સંજય પ્રજાપતિ, માનસિંહ ચૌધરી અને અશોક ચૌધરીએ પણ પ્રેરણાત્મક વક્તવ્ય આપી વિદ્યાર્થીનીઓને ઉત્સાહિત કરી હતી.
કાર્યક્રમના અંતે ગત વર્ષે ધોરણ 10 અને 12માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીનીઓને આમિર મોમીન, સરસ્વતીબેન અને ગ્લોબલ તરફથી ઇનામો આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયપ્રકાશ મોડિયા અને જયશ્રીબેન પટેલે કર્યું હતું, જ્યારે આભારવિધિ અલકેશ મોદીએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ