

પાટણ, 21 ફેબ્રુઆરી (હિ.સ.) વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે સિદ્ધપુર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને યોગાંજલિ કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને શ્લોકગાન સાથે થયો હતો. સંચાલકોએ અતિથિઓનું સ્વાગત કર્યું અને સંસ્થાના આચાર્ય અશોક શર્માએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.
આ પ્રસંગે કવિ કૃષ્ણ દવે, મધુબેન દવે, લેખિકા જ્યોતિ થાનકી, જીજ્ઞા દવે, શ્વેતા અજાણી, ડૉ. નિશીથ અજાણી અને જહાનવી શુક્લ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ‘કાવ્ય ગોષ્ઠિ’ મુખ્ય આકર્ષણ બની હતી. કવિ કૃષ્ણ દવેએ ગુજરાતી ભાષાની જીવંતતા પર પ્રકાશ પાડ્યો હતો, જ્યારે જ્યોતિ થાનકીએ ગુજરાતી સંસ્કાર અને સાહિત્યિક વૈભવ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
વક્તાઓએ માતૃભાષા પ્રત્યે ગૌરવ અને સમજ વિકસાવવાનો સંદેશ આપ્યો હતો. યોગાંજલિ પરિવારે મહેમાનો અને શ્રોતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ‘જય જય ગરવી ગુજરાત’ના નાદ સાથે મહોત્સવનું સમાપન થયું, જેમાં મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ