



અંબાજી, 22 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત સરકારના વર્ષ 2026-27ના બજેટમાં યાત્રાધામ અંબાજી માટે વિકાસનો નવો સૂર્યોદય થયો છે. વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં વર્ષ 1992થી બંધ પડેલી GMDCની ખાણને ફરી જીવિત કરવા માટે સરકારે રૂ. 613 કરોડની માતબર રકમની જોગવાઈ કરી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતની પ્રથમ ભૂગર્ભ (Underground) કોપર-લેડ-ઝીંક ખાણ આકાર લેશે. સરકારના આ વિશેષ ધ્યાનથી વર્ષોથી શાંત પડેલી આ ખાણોમાં ફરી મશીનરીનો ગુંજારવ સંભળાશે અને અંબાજી ફરી એકવાર તેના પ્રાચીન નામ 'તાંબાવતી નગરી' તરીકેની ઓળખ સાર્થક કરશે.આ ખાણ પ્રોજેક્ટ ફરી શરૂ થવાથી બનાસકાંઠા જિલ્લાના હજારો સ્થાનિક યુવાનો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીના દ્વાર ખુલશે. ખાણકામની આધુનિક ટેકનોલોજી અને પ્રોસેસિંગ યુનિટ્સ સ્થાપિત થવાથી વિસ્તારના આર્થિક વિકાસને નવી ગતિ મળશે. યાત્રાધામની સાથે સાથે હવે અંબાજી એક મહત્વના ઔદ્યોગિક કેન્દ્ર તરીકે પણ ઉભરી આવશે, જેનાથી સ્થાનિક બજાર અને વેપાર-ધંધામાં મોટો ઉછાળો જોવા મળશે.અંબાજીની ભૂગર્ભ ખાણમાંથી વિપુલ પ્રમાણમાં કોપર (તાંબુ), લેડ (સીસું) અને ઝીંક (જસત) મેળવવામાં આવશે, જે ભારતની ખનિજ સંપત્તિમાં મોટો વધારો કરશે. હાલમાં આ ધાતુઓ માટે ભારત મોટાભાગે વિદેશી આયાત પર નિર્ભર રહેવું પડે છે, પરંતુ અંબાજી કોપર પ્રોજેક્ટ કાર્યરત થતા આયાત ખર્ચમાં મોટો ઘટાડો થશે અને વિદેશી મુદ્રાની બચત થશે. આમ, અંબાજીની આ ખાણ માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ