
પાટણ, 21 ફેબ્રુઆરી (હિ.સ.)નગરપાલિકાની બજેટ અને વિકાસ કાર્યો અંગે બોલાવવામાં આવેલી મહત્વપૂર્ણ કારોબારી બેઠક ચીફ ઓફિસરની ગેરહાજરીને કારણે મુલતવી રાખવાની ફરજ પડી હતી. બેઠક બોલાવવા માટે ખુદ ચીફ ઓફિસરે લેખિતમાં વિનંતી કરી હતી, પરંતુ બેઠકના દિવસે હાજર ન રહેતાં સભ્યોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. સભ્યોએ અધિકારીની બિનજવાબદાર વૃત્તિ અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા.
કારોબારી ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું કે વિકાસના કામો અને બજેટલક્ષી આયોજન ઝડપથી થાય તે હેતુથી બેઠક જરૂરી હતી. બેઠકના દિવસે સવારે હાજર હોવા છતાં ચીફ ઓફિસર રજાનો રિપોર્ટ આપી કારોબારીને જાણ કર્યા વિના ગેરહાજર રહ્યા હતા, જેના કારણે બજેટ જેવી અગત્યની કામગીરી અટકી પડી છે. સભ્યોએ આ વર્તનને મનમાની ગણાવી શિસ્તભંગનો આક્ષેપ કર્યો છે.
આ સાથે નગરપાલિકાની જગ્યાઓ માટે ખોલાની હરાજીનું આયોજન પણ કરાયું હતું, જેમાં 35થી 40 લોકો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ ચીફ ઓફિસરની ગેરહાજરીને કારણે હરાજી યોજાઈ શકી નહોતી, જેના કારણે લોકોને નિરાશા વેઠવી પડી. અગાઉ પણ આવું બન્યું હોવાનું જણાવી, સભ્યોએ ચીફ ઓફિસર વિરુદ્ધ RCMમાં રજુઆત કરવાની ચેતવણી આપી છે. આગામી કારોબારી બેઠક હવે બુધવારે 25મી તારીખે સાંજે 4 વાગ્યે યોજાશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ