




- અમદાવાદના આઇકોનિક અટલ બ્રીજની મુલાકાત કરતા ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન
- રિવરફ્રન્ટ ખાતે યુવાનો સાથે બેસી સંવાદ કરી ચાય પે ચર્ચા કરતા ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન
અમદાવાદ,21 ફેબ્રુઆરી (હિ.સ.) ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન રાષ્ટ્રીય પ્રમુખ બન્યા પછી પ્રથમ વાર ગુજરાતના ત્રણ દિવસ પ્રવાસે આવ્યા છે. તેમના પ્રવાસના બીજા દિવસે વહેલી સવારે અમદાવાદની ઓળખ એવા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મોર્નિંગ વોક કર્યું હતું. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ આ અવસરે ઉપસ્થિત રહ્યાં હતાં.
નીતિન નવીનએ અમદાવાદના આઇકોનિક અટલ બ્રીજની પણ મુલાકાત લીધી હતી. તેઓએ રિવરફ્રન્ટ ખાતે યુવાનો સાથે બેસી સંવાદ કરી ચાય પે ચર્ચા કરી હતી. આ પ્રસંગે કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ પ્રેરાક શાહ, સ્થાનિક ધારાસભ્યઓ અને ભાજપા આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે, એક સમય હતો કે અમદાવાદ શહેર વચ્ચેથી પસાર થતી સાબરમતી નદીના પટમા કચરા અને ગંદકીનું સામ્રાજ્ય રહેતું, સર્કસ યોજાતા. પણ આજે એ જ સ્થાને નરેન્દ્ર મોદીના દ્રઢ નિશ્ચય અને દૂરંદેશી નેતૃત્વના ફળ સ્વરૂપ દેશનો સૌ પ્રથમ રિવરફ્રન્ટ બન્યો છે જેણે વૈશ્વિક સ્તરે અમદાવાદને આગવી ઓળખ આપી છે.
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે દરરોજ અનેક લોકો મોર્નિંગ વોક, જોગિંગ, સાયકલિંગ, યોગા, કસરત માટે આવે છે. પરિવારો બાળકો સાથે આનંદદાયી પળો અહી વિતાવે છે. આઇકોનિક અટલ બ્રિજ પણ અમદાવાદની ઓળખ બન્યો છે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં સહેલાણીઓ પધારે છે. સાબરમતી રિવરફ્રન્ટ અનેક ગતિવિધિઓનું કેન્દ્ર બન્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ