વિકસિત અમદાવાદ 2047 તરફ ઉંચી ઉડાન - અમદાવાદના મેયર પ્રતિભા જૈનનું અંદાજપત્ર 2026-2027 પર સંબોધન
- મેયરએ ભગવદ્ ગીતાના શ્લોક ‘યોગઃ કર્મસુ કૌશલમ્’થી સંબોધનની શરૂઆત કરી : ગ્રીન, ક્લીન અને હેપ્પી અમદાવાદનો સંકલ્પ - ઇલેક્ટ્રિક બસો, ફ્લોટિંગ સોલાર અને 50 હજાર આવાસ : AMCના નવા બજેટમાં વિકાસના વિશાળ આયોજનો - પ્રોપર્ટી ટેક્સમાં 15% રાહતથી લઇને સુપર સ
Ahmedabad 2047


- મેયરએ ભગવદ્ ગીતાના શ્લોક ‘યોગઃ કર્મસુ કૌશલમ્’થી સંબોધનની શરૂઆત કરી : ગ્રીન, ક્લીન અને હેપ્પી અમદાવાદનો સંકલ્પ

- ઇલેક્ટ્રિક બસો, ફ્લોટિંગ સોલાર અને 50 હજાર આવાસ : AMCના નવા બજેટમાં વિકાસના વિશાળ આયોજનો

- પ્રોપર્ટી ટેક્સમાં 15% રાહતથી લઇને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સુધી — અમદાવાદનો સર્વાંગી વિકાસ માટેનો દ્રષ્ટિકોણ

અમદાવાદ,21 ફેબ્રુઆરી (હિ.સ.) અમદાવાદના દાણાપીઠ - સરદાર પટેલ ભવન મહાત્મા ગાંધી હોલ ખાતે યોજાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ખાસ સભામાં મેયર પ્રતિભા જૈને પોતાના સંબોધનની શરૂઆત ભગવદ્ ગીતાના શ્લોક “યોગઃ કર્મસુ કૌશલમ્” સાથે કરી અને જણાવ્યું કે,આ બજેટ માત્ર આંકડાઓનો પ્રસ્તાવ નહીં પરંતુ શહેરના સર્વાંગી વિકાસ માટેનો સંકલ્પ છે. મેયરએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપેલ “વિકસિત ભારત @ 2047”ના સંકલ્પ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર વિકાસના નવા આયામે આગળ વધી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સર્વસમાવેશી વિકાસ અભિગમ સાથે શહેરમાં અનેક પ્રકલ્પો અમલમાં આવી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખ 2005થી સતત સેવા, સમર્પણ અને સિદ્ધિનો ઇતિહાસ રચી રહી છે અને શહેરને “ક્લીનેસ્ટ, ગ્રીનેસ્ટ અને પ્રીટીએસ્ટ સિટી” બનાવવા પ્રયત્નશીલ છે. આ બજેટમાં શહેરના સંતુલિત અને સમાવેશી વિકાસ માટે વિશાળ આયોજન કરાયું છે.

શિક્ષણ ક્ષેત્રે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અંદાજે રૂ.1,205 કરોડનું બજેટ રજૂ કરાયું છે,જ્યારે નેટ-ઝીરો 2070ના લક્ષ્ય સાથે AMTS દ્વારા 2030 સુધી તમામ બસોને ઇલેક્ટ્રિક બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે રૂ.1,011 કરોડનું બજેટ પ્રસ્તાવિત છે જેથી શહેરીજનોને ઝડપી, આરામદાયક અને સલામત મુસાફરી સુલભ બનશે.

આરોગ્ય ક્ષેત્રે શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ, શેઠ ચિનાઈ પ્રસુતિગૃહ અને કે.એમ. સ્કૂલ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિસિન સહિત સંસ્થાઓ માટે રૂ.212.87 કરોડનું બજેટ રજૂ કરાયું છે. ઉપરાંત SVP હોસ્પિટલમાં AMC કર્મચારીઓ અને પેન્શનરોને કેશલેસ સારવારની સુવિધા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો. પૂર્વ વિસ્તારમાં વિરાટનગર ખાતે રૂ.50 કરોડના ખર્ચે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ જશોદાનગર, સૈજપુર-બોઘા, શાહીબાગ, સાબરમતી અને ચાંદલોડિયા વિસ્તારોમાં નવા આરોગ્ય કેન્દ્રોનું આયોજન પણ જાહેર થયું.

નાગરિકોને રાહત આપવા એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને 12% અને ઓનલાઈન ભરનારને વધારાના 1% સહિત સતત ત્રણ વર્ષ એડવાન્સ ટેક્સ ભરનારને કુલ 15% સુધી રિબેટ આપવામાં આવશે. સાથે જ પ્રદૂષણ ઘટાડવા તમામ ઇલેક્ટ્રિક વાહનોને આજીવન વાહનવેરામાં 100% છૂટની જાહેરાત કરવામાં આવી.

પર્યાવરણ ક્ષેત્રે સાબરમતી નદી અને લાંભા તળાવ પર ફ્લોટિંગ સોલાર પેનલ્સથી ઊર્જા ઉત્પાદન માટે રૂ.50 કરોડ ફાળવાયા છે. મિશન ફોર મિલિયન ટ્રીઝ અંતર્ગત ઓક્સિજન પાર્ક, બાયો-ડાયવર્સિટી પાર્ક અને વૃક્ષારોપણથી શહેરના ગ્રીન કવરમાં વધારો થયો હોવાનું મેયરશ્રીએ વધુમાં જણાવ્યું હતું.

શહેરી સુવિધાઓ માટે નવા 200 કિ.મી.થી વધુ રસ્તા, 19 નવા બ્રિજ, આઇકોનિક અને વ્હાઇટ ટોપિંગ રોડ, ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર નેટવર્ક તેમજ રીંગ રોડ વિસ્તારના વિકાસનું આયોજન કરાયું છે. ખારીકટ કેનાલ પ્રોજેક્ટ દ્વારા પૂર્વ વિસ્તારને ઉત્તર-દક્ષિણ ઝોન સાથે જોડવામાં આવ્યો હોવાનું પણ તેમણે ઉમેર્યું.

હાઉસિંગ ક્ષેત્રે ઝીરો સ્લમ સિટી દ્રષ્ટિકોણ સાથે 50 હજાર નવા આવાસોના DPR અને 24 હજારથી વધુ આવાસોના નિર્માણનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં અમદાવાદ અગ્રેસર હોવાનું પણ તેમણે કહ્યું હતું.

મેયરએ જણાવ્યું કે અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ્સ-2030ના યજમાનપદ તરફ આગળ વધી રહ્યું છે અને સ્વચ્છતામાં પણ દેશમાં પ્રથમ ક્રમે સ્થાન પ્રાપ્ત કર્યું છે.

સંબોધનના અંતે તેમણે “સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ” ના મંત્ર સાથે સૌના સહકારથી વધુ સમૃદ્ધ અને સશક્ત અમદાવાદના નિર્માણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો તથા મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની અને તેમની ટીમ, જનપ્રતિનિધિઓ તથા મીડિયા પ્રતિનિધિઓનો આભાર માન્યો હતો.

તેમણે ઉમેર્યું કે આ બજેટ “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ”ના મંત્રને સાકાર કરી વિકસિત અમદાવાદ તરફ આગળ વધારશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande