
સુરત, 21 ફેબ્રુઆરી (હિ.સ.) શહેરમાં આજે રાજકીય માહોલ ગરમાયો હતો, જ્યારે શહેર ભાજપ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનોના વિરોધમાં નાનપુરા સ્થિત મક્કાઈપુલ ખાતે ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો એકત્રિત થઈ કોંગ્રેસ વિરોધી નારેબાજી સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
ભાજપ આગેવાનોના જણાવ્યા મુજબ “ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026” જેવા વૈશ્વિક કાર્યક્રમને લઈને કોંગ્રેસ દ્વારા વિઘ્ન ઉભું કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે આ સમિટ દેશની ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તા ક્ષેત્રે વધી રહેલી શક્તિ દર્શાવવાનો મહત્વનો અવસર છે અને આવા સમયે દેશની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ અયોગ્ય છે.
પ્રદર્શન દરમિયાન ભાજપના સ્થાનિક નેતાઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર દેશહિત વિરુદ્ધ વલણ અપનાવવાનો આક્ષેપ કર્યો. તેમણે જણાવ્યું કે ભારત ઝડપથી ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના પ્રયાસોને સહન કરવામાં નહીં આવે.
મક્કાઈપુલ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાજપ કાર્યકરોએ રાહુલ ગાંધીનું પ્રતિકાત્મક પૂતળું સળગાવી વિરોધ નોંધાવ્યો. “ભારત માતા કી જય” અને “કોંગ્રેસ હાય હાય” જેવા નારાઓથી માહોલ ગરમાયો હતો. પ્રદર્શનને કારણે થોડા સમય માટે ટ્રાફિક પર પણ અસર જોવા મળી હતી, જેને પોલીસે નિયંત્રિત કરી સ્થિતિ સામાન્ય બનાવી.શહેર ભાજપે ચેતવણી આપી છે કે આવા નિવેદનો ચાલુ રહેશે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે. બીજી તરફ, કોંગ્રેસ તરફથી આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. શહેરના રાજકીય વર્તુળોમાં આ ઘટનાને લઈ ચર્ચા તેજ બની છે અને આવનારા દિવસોમાં રાજકીય ગરમાવો વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે