

પોરબંદર, 21 ફેબ્રુઆરી (હિ.સ.)દેશને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને અનુસરી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યભરમાં આરોગ્યલક્ષી અનેક લોકહિત કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. આ અભિયાનની મહત્વપૂર્ણ કડીરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગના માધ્યમથી રોગ નિવારણ અને આરોગ્ય જાગૃતિ ફેલાવવાના હેતુસર રાજ્યના વિવિધ જિલ્લાઓ, તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં યોગ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલજીના સીધા માર્ગદર્શન હેઠળ અને સ્ટેટ કોર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદીની સૂચનાથી ઝોન કોર્ડિનેટર ચેતનાબેન ગજેરાના અધ્યક્ષ સ્થાને રાણાવાવ ખાતે નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોગ શિબિર તા.23/02/2026, સોમવારના રોજ સાંજે 4.00થી 6.00 કલાક દરમિયાન રાણાવાવની ખોજા સમાજ વાડીમાં યોજાશે.
આ યોગ શિબિરનો લાભ લેવા માટે રાણાવાવ તેમજ આસપાસના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જિલ્લા કો-ઓર્ડિનેટર કેતન કોટિયા દ્વારા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya