
જામનગર, 21 ફેબ્રુઆરી (હિ.સ.) :
જામનગર જિલ્લાના કાનાલુસમાંથી રૂ.500ના દરની 100 નકલી નોટો સાથે બે રાજસ્થાની શખસો ઝડપાયા બાદ બે અજાણ્યા સપ્લાયરો અને રાજસ્થાનના રીસીવરનું નામ ખુલ્યું હતું. જેથી પોલીસે રાજકોટના નકલી નોટોના સપ્લાયરોની ઓળખ કરીને બન્ને અને રાજસ્થાનના શખસને ભરૂચમાંથી ઝડપી લઈને રીમાન્ડ બાદ જેલ હવાલે કરવામાં આવ્યા છે.
લાલપુર તાલુકાના કાનાલુસના પાટીયા પાસે પાર્કિંગમાં ટ્રક લઈને આવેલા બે શખ્સો મૂળ રાજસ્થાનના વતની હમીદ પપ્પુભાઈ નુરાભાઈ કઠાત તેમજ અરમાન ફઝલુ રહેમાન અબ્દુલ કુરેશીને રૂ.500ના દરની 100 નકલી નોટોના એક બંડલ સાથે ઝડપી લીધા હતા.
તેને રીમાન્ડ પર લઈને પુછપરછ કરવામાં આવતા મૂળ રાજસ્થાનના વતની સલીમભાઈ રમેશભાઈ કઠાત કે જે રાજસ્થાનના શેખાવાસ જિલ્લાનો વતની છે, તેને આ ચલણી નોટો રાજકોટમાં એક શખસ રૂ.50 હજાર આપી જશે, તે લેતાં આવજો તેમ કહ્યું હતું.
જેથી રાજકોટના અલગ અલગ બે મોબાઈલ નંબર ધારકો તેઓને આ ચલણી નોટો સપ્લાય કરવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ દ્વારા સલીમભાઈ કઠાત તથા અન્ય બે અજાણ્યા શખ્સોને ફરારી જાહેર કર્યા હતા.
પોલીસે તપાસનો દોર રાજકોટ સુધી લંબાવ્યો હતો. નકલી નોટો સપ્લાય કરવા આવેલા રાજકોટના રાહુલ વિક્રમભાઈ ચાવડા તેમજ ગની ઉર્ફે હીરાભાઈ ચૌહાણની ઓળખ કરીને ધરપકડ કરવામાં આવી હતી.
મૂળ રાજસ્થાનનો વતની સલીમ કઠાત, કે જે ભરૂચમાં સંતાયો હોવાથી મેઘપર પોલીસ સ્ટેશનની એક ટુકડી ભરૂચ પહોંચી હતી, અને ત્યાંથી સલીમ કઠાતને ઉઠાવી લીધો હતો. જેને પણ મેઘપર લઈ આવ્યા બાદ ત્રણેય આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડ પર લીધા હતા. જે બાદ તમામ આરોપીઓના ગુરૂવારે રિમાન્ડ પુરા થતાં જેલ હવાલે કરવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt