
સોમનાથ,21 ફેબ્રુઆરી (હિ.સ.) વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઓદ્યોગિક ભરતી મેળો યોજાયો હતો.
આ ભરતી મેળામાં ગીર સોમનાથ જિલ્લાના ઉમેદવારોને ઈ-મેઈલ અને સોશ્યિલ મિડિયાના જુદા-જુદા મધ્યમથી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતાં. ઉપસ્થિત રહેલા ૧૨૪ ઉમેદવારો માટે આ ભરતી મેળામાં સ્થાનિક નોકરીદાતા પરફેક્ટ ઓટો સર્વિસ- વેરાવળ, શક્તિ સુપર માર્કેટ- વેરાવળ, રીલાયન્સ રિટેલ સ્ટોર (મોલ) વેરાવળ, માર્શલ ટ્રેંડિંગ કં.( મહિન્દ્રા ) - વેરાવળ, ત્રિમૂર્તિ ઓટો મોબાઈલ (હોંડા)- વેરાવળ તેમજ બોનાન્ઝો સલૂન એન્ડ એકેડેમી રાજકોટ નોકરીદાતાના પ્રતિનિધિ હાજર રહેલ હતાં.
આ તમામ એકમ/સંસ્થા ખાતે ખાલી જગ્યા માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે 91 રોજગારવાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. જેમને ફરી બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. તદઉપરાંત રોજગાર કચેરીના કાઉન્સેલર દ્વારા કારકિર્દી માર્ગદર્શન તથા મોડેલ કેરિયર સેન્ટર અને એન.સી.એસ પોર્ટલનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ