જૂનાગઢ ખાતે કિશોરી મેળો-૨૦૨૬ અને વાનગી નિદર્શન કાર્યક્રમ યોજાયો
જુનાગઢ 21 ફેબ્રુઆરી (હિ.સ.) જૂનાગઢના આઈ.સી.ડી.એસ. ઘટક-૨ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે પૂર્ણા યોજના અંતર્ગત કિશોરીઓના સશક્તિકરણ માટે કિશોરી મેળો - ૨૦૨૬ અને વાનગી નિદર્શન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મ
જૂનાગઢ ખાતે કિશોરી મેળો-૨૦૨૬ અને વાનગી નિદર્શન કાર્યક્રમ યોજાયો


જુનાગઢ 21 ફેબ્રુઆરી (હિ.સ.) જૂનાગઢના આઈ.સી.ડી.એસ. ઘટક-૨ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે પૂર્ણા યોજના અંતર્ગત કિશોરીઓના સશક્તિકરણ માટે કિશોરી મેળો - ૨૦૨૬ અને વાનગી નિદર્શન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના માધ્યમથી કિશોરીઓને આરોગ્ય, પોષણ, સ્વચ્છતા અને કાયદાકીય અધિકારો પ્રત્યે જાગૃત કરી આત્મનિર્ભર બનવા માટે પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરે દીકરીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, જ્યારે દીકરી શિક્ષિત અને સુપોષિત બને છે, ત્યારે જ એક મજબૂત સમાજનું નિર્માણ થાય છે. તેમણે દીકરીઓના સર્વાંગી વિકાસ માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ તકે તાલુકા પંચાયત ઉપપ્રમુખ મધુબેન પાથર, સરકારી વકીલ અમુભાઈ પટોળીયા તેમજ પાદરીયા ગામના સરપંચએ ગરિમામય હાજરી આપી કિશોરીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મેળા દરમિયાન કિશોરીઓના સ્વાસ્થ્ય અને પોષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં ખડિયા અને બગડુ ગામના મેડિકલ ઓફિસરો દ્વારા કિશોરીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી તથા ન્યુટ્રીશનિસ્ટ શ્રી ડોલીબેન દોશીએ વાનગી નિદર્શન સાથે પૌષ્ટિક આહારના મહત્વ વિશે સમજૂતી આપી હતી. આ સાથે જ ૧૮૧ અભયમ ટીમ અને મહિલા બાળ કચેરીની ટીમ દ્વારા મહિલા સુરક્ષા, સખી વન સ્ટોપ સેન્ટર અને મહિલાલક્ષી કાયદાકીય અધિકારો વિશે વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવી હતી.

આ ઉપરાંત કિશોરીઓને વ્યક્તિગત સ્વચ્છતા, હાઈજીન અને જીવન કૌશલ્ય વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. મુશ્કેલ પરિસ્થિતિઓમાં આત્મવિશ્વાસ સાથે કેવી રીતે આગળ વધવું અને શિક્ષણ દ્વારા કારકિર્દી કઈ રીતે ઉજ્જવળ બનાવવી તે અંગે પણ ઊંડાણપૂર્વક માર્ગદર્શન અપાયું હતું. ‘સશક્ત કિશોરી, સુપોષિત કિશોરી અને સમૃદ્ધ સમાજ’ના સૂત્ર સાથે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની શક્તિઓનો પરિચય આપ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande