સોરઠ - સૌરાષ્ટ્રના સાધુ સંતો દ્વારા નિર્મિત ભોજન સેવાની પરંપરા આજે પણ અડીખમ : હજારો સ્વયંસેવકોનું નિ: સ્વાર્થ ભાવે યોગદાન
જૂનાગઢ 21 ફેબ્રુઆરી (હિ.સ.) મહાશિવરાત્રીના મેળામાં લાખો ભાવિકો પધારે છે, તેમને નિ:શુલ્ક અને ભાવપૂર્વક ઉતારા મંડળ- અન્નક્ષેત્ર દ્વારા ભોજન કરાવવામાં આવે છે. દુનિયાભરમાં ભાગ્ય જ આવા ઉદાહરણ જોવા મળે છે, ખાસ કરીને સોરઠ- સૌરાષ્ટ્ર અને ગુજરાતની ગૌરવશાળી
સોરઠ - સૌરાષ્ટ્રના સાધુ સંતો દ્વારા નિર્મિત ભોજન


જૂનાગઢ 21 ફેબ્રુઆરી (હિ.સ.) મહાશિવરાત્રીના મેળામાં લાખો ભાવિકો પધારે છે, તેમને નિ:શુલ્ક અને ભાવપૂર્વક ઉતારા મંડળ- અન્નક્ષેત્ર દ્વારા ભોજન કરાવવામાં આવે છે. દુનિયાભરમાં ભાગ્ય જ આવા ઉદાહરણ જોવા મળે છે, ખાસ કરીને સોરઠ- સૌરાષ્ટ્ર અને ગુજરાતની ગૌરવશાળી પરંપરા અને સંસ્કૃતિ રહી છે, તેના મૂળમાં અનેક સાધુ સંતો અને ઓલીયા પુરુષો રહેલા છે. તેનું જ વહન આજે સેંકડો અન્નક્ષેત્ર કરી રહ્યા છે. આ પરંપરા ઉજળી બની છે તેમાં મુખ્ય આધાર સ્તંભ છે સ્વયંસેવકો. જે પોતાના કામ ધંધા છોડીને - ગિરનારી મહારાજના સાનિધ્યમાં સેવા કરીને પોતાને ધન્ય માને છે, સાથે એમ કહે છે કે, લોકોની સેવા કરીને અનેરા આનંદની પ્રાપ્તિ થાય છે, સાથે જ ઘર પરિવારમાં બરકત રહેવાની સાથે પુત્ર- પૌત્રાદી પણ સંસ્કારવાન બને છે. તેઓ તેમનો શ્રદ્ધા ભાવ રહેલો છે.

આશરે છેલ્લા ૫૦ વર્ષથી મહાશિવરાત્રીના મેળામાં સેવા કરવા આવતા અંબાબેન કાકડિયા જણાવ્યું હતું કે, બે વર્ષના નાના છોકરા હતા, ત્યારથી મહાશિવરાત્રીના મેળામાં સેવા માટે આવીએ છીએ, નાની મોટી અગવડતાઓ અને કામ ધંધા છોડીને અહીં સેવા માટે આવીએ છીએ- ગિરનાર લીલી પરિક્રમા કે, મહાશિવરાત્રી આવે એટલે આ ગિરનારની ભૂમિ પર આવી જઈએ, મારા જેવા અનેક લોકો સેવા માટે હાજર થઈ જાય છે, અને સેવાથી અનેરો આનંદ પ્રાપ્ત થાય છે અને ઈશ્વરની કૃપાથી કોઈદી કંઈ થયું પણ નથી.

કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે જોડાયેલા અમદાવાદના મયુર પટેલે જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના મેળામાં ગુરુ મહારાજની પ્રેરણાથી ત્રીસેક વર્ષથી સેવા માટે આવીએ છીએ, શેરનાથ બાપુના આશ્રમમાં મારા જેવા ૪૦૦ થી ૪૫૦ લોકો સેવા માટે મહાશિવરાત્રીના મેળામાં આવે છે અને પૂરા ભાવ સાથે લોકોને ભોજન કરાવીએ છીએ- ટુકડો ત્યાં હરિ ઢુકડો એ ભાવ પણ મનમાં સતત રહે છે.

લંડનથી છેલ્લા ૩૦- ૩૫ વર્ષથી શેરનાથ બાપુના આશ્રમ ખાતે સેવા માટે આવતા એક ભાવિક બહેને કહ્યું હતું કે, મહાશિવરાત્રી ઉપરાંત તિથિ કે અન્ય પર્વએ પણ આવવાનું થતું હોય છે ખાસ મહાશિવરાત્રીના મેળામાં સૌ સાથે મળીને જુદી જુદી સેવાઓ આપતા હોય ત્યારે એક અનેરી ખુશી પણ મળે છે. શક્ય એટલી સેવા કરીને ધન્યતા અનુભવીએ છીએ.

ખોડીયાર રાસ મંડળ દ્વારા ચાલતા અન્નક્ષેત્રમાં વર્ષોથી સેવા આપતા જ્યોતિબેન માયાણીએ જણાવ્યું હતું કે, આ સેવા ભાવથી ખૂબ માતાજીની કૃપા પાત્ર બનીએ છીએ, ધાર્યા કામ પણ પરિપૂર્ણ થાય છે. શારદાબેન કાકડીયા કહે છે કે, આ વર્ષે મહાશિવરાત્રીના મેળામાં આવવાનું નક્કી નહોતું પરંતુ માતાજીની પ્રેરણાથી આવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું, અહીં સેવા કરવાથી મન એટલું પ્રફુલ્લિત થઈ જાય છે કે, સેવા સતત કરીએ જ રાખીએ અને થાક પણ નથી લાગતો. જે ઈશ્વરીય કૃપા જ કહી શકાય.

કિશોરભાઈ વાડોદરિયાએ જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના મેળા અને ગિરનાર લીલી પરિક્રમા અન્નક્ષેત્રની સેવા આપીએ છીએ, અમારા પૂર્વજોની પ્રેરણાથી સતત ૬૦- ૬૨ વર્ષથી સતત ભોજન સેવા ચાલુ છે. તેઓ કહે છે કે, ગિરનારી મહારાજ, ભગવાન મહાદેવ અને માતાજીની કૃપા હોય ત્યારે જ આ સેવા શક્ય બને છે. કોઈપણ પ્રસંગ હોય પણ અમારું મન સીધું અહીંયા મહાશિવરાત્રીના મેળા તરફ મંડાય છે, કંઈ પણ હોય સેવા કરવા જવું છે એ જ ભાવ રહે છે. પાંચ- છ દિવસ ગમે તેવું કામ હોય કે પ્રસંગ હોય એ બધું મૂકી દઈએ છીએ.

તેમણે કહ્યું હતું કે, ગિરનારી મહારાજ અને માતાજીની કૃપાથી ધંધા વ્યવસાયમાં સારો ચાલે છે, પુત્ર- પૌત્રાદી પણ શિક્ષણ મેળવવાની સાથે સંસ્કારવાન બને છે, આ સેવા ભાવ બાળકોમાં પણ ઉતરતો જોવા મળે છે. આમ, મહાશિવરાત્રી કે ગિરનાર લીલી પરિક્રમા આવી એટલે સીધા પાંચ છ દિવસ માટે તૈયાર જ હોય છીએ.

રાજકોટથી સેવા માટે આવતા વેલજીભાઈ લીંબાસીયાએ જણાવ્યું હતું કે, કામ ધંધા રોજગાર રોકીને ખાસ સેવા માટે અહીંયા આવીએ છીએ, એક અંદરથી એવો ભાવ રહે છે કે સેવા માટે જવું જ છે. આમ, શિવરાત્રી કે પરિક્રમાએ સેવા માટે આવીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ ઉતારા મંડળ- અન્નક્ષેત્રોની સેવાઓની સવિશેષ નોંધ લઇ, રાજ્ય સરકાર વતી ભાવિકો માટે નિ:સ્વાર્થ ભાવે આ ભોજન સેવા ઉપલબ્ધ કરાવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

મહાશિવરાત્રીના મેળામાં લાખો ભાવિકો સાધુ સંતોના દર્શન માટે પધારે છે, ત્યારે ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમરૂપ આ મહાશિવરાત્રીના મેળામાં હજારો સ્વયંસેવકો પણ અનેરા શ્રદ્ધાભાવ સાથે ભોજન સેવામાં સહભાગી બની પોતાને ધનભાગી માને છે. સોરઠ - સૌરાષ્ટ્રના સાધુ સંતો દ્વારા નિર્મિત ભોજન સેવાની પરંપરા આજે પણ હજારો સ્વયંસેવકોના નિ:સ્વાર્થ ભાવે સેવા કાર્યથી અડીખમ છે. જેનાથી અજોડ સાંસ્કૃતિક મૂલ્યોના દર્શન પણ થાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande