‘નમો કાફે’થી ટેક્સટાઇલ વેપારીનું અપહરણ, કરણી સેનાના નામની સ્કોર્પિયોનો ઉપયોગ: 5 આરોપી ઝડપાયા
સુરત, 21 ફેબ્રુઆરી (હિ.સ.) ગોડાદરા વિસ્તારમાં ટેક્સટાઇલ વેપારીના ફિલ્મી અંદાજમાં અપહરણની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે અપહરણ માટે વપરાયેલી સ્કોર્પિયો કાર પર કરણી સેનાના હોદ્દેદારનું નામ લખેલું હોવાનું સામે આ
‘નમો કાફે’થી ટેક્સટાઇલ વેપારીનું અપહરણ


સુરત, 21 ફેબ્રુઆરી (હિ.સ.) ગોડાદરા વિસ્તારમાં ટેક્સટાઇલ વેપારીના ફિલ્મી અંદાજમાં અપહરણની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે અપહરણ માટે વપરાયેલી સ્કોર્પિયો કાર પર કરણી સેનાના હોદ્દેદારનું નામ લખેલું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને પાંચ આરોપીઓને ઝડપી પાડી વેપારીને સુરક્ષિત મુક્ત કરાવ્યો છે.

માહિતી મુજબ, ગોડાદરાની ગંગોત્રીનગર સોસાયટીમાં રહેતા દીવાકર ઉર્ફે ટીકુ તિવારી ટેક્સટાઇલ પાર્સલ પેકિંગના ધંધા સાથે સંકળાયેલા છે. અગાઉ તેઓ પિયુષ અગ્રવાલ સાથે ભાગીદારીમાં કામ કરતા હતા. ભાગીદારી સમાપ્ત થયા બાદ દીવાકરે પોતાના હિસ્સાના 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી, જેને લઈને બંને વચ્ચે વિવાદ ચાલતો હતો.

આ વિવાદનો અંત લાવવાના બહાને પિયુષ અગ્રવાલે દીવાકરને ગોડાદરાની શ્યામસૃષ્ટિ સોસાયટી પાસે આવેલા ‘નમો કાફે’ પર બોલાવ્યો હતો. ત્યાં પહેલેથી જ પિયુષ પોતાના સાગરીતો સાથે હાજર હતો. દીવાકર ત્યાં પહોંચતા જ આરોપીઓએ તેના પર હુમલો કરી જાહેરમાં જ બળજબરીથી સ્કોર્પિયો કારમાં બેસાડી અપહરણ કર્યું હતું.

તપાસમાં ખુલ્યું કે કાળા રંગની સ્કોર્પિયો કાર પર ‘ચંદન કુમાર ઠાકુર – કરણી સેના અધ્યક્ષ, સુરત’ એવું લખાણ હતું. આરોપીઓ દીવાકરને પાંડેસરા વિસ્તારમાં લઈ ગયા, જ્યાં એક અવાવરુ જગ્યાએ ગોંધી રાખી ચપ્પુની અણીએ મારપીટ કરી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી.

ઘટનાની જાણ થતાં જ ગોડાદરા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે આરોપીઓનો પીછો કરીને ડીંડોલી મધુરમ સર્કલ પાસેથી વેપારીને સલામત મુક્ત કરાવ્યો હતો.

આ મામલે પોલીસે મુખ્ય આરોપી પિયુષ અગ્રવાલ સહિત કુલ પાંચ આરોપીઓને ઝડપ્યા છે. જેમાં ચંદન ઠાકુર ઉર્ફે યુગ, વિવેકસિંઘ રાજપુત, લક્કી ખટીક અને સંજુકુમાર સિંઘનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ સામે અપહરણ, ગેરકાયદેસર કેદ, મારપીટ અને ધમકી આપવાના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ અલગ-અલગ રાજ્યોના વતની છે અને સુરતમાં નાના-મોટા વ્યવસાય કે મજૂરી સાથે સંકળાયેલા છે. કરણી સેનાના નામનો ઉપયોગ કેવી રીતે થયો તે અંગે પણ પોલીસ વધુ તપાસ કરી રહી છે. પોલીસએ જણાવ્યું છે કે શહેરમાં શાંતિ જાળવવા માટે આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande