
ભાવનગર, 21 ફેબ્રુઆરી (હિ.સ.)ભાવનગર શહેરના ચિત્રા GIDC વિસ્તારમાં આજે ભયાનક આગની ઘટના બનતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિસ્તારમાં આવેલી JK Tyre ના ગોડાઉન તેમજ નજીકની એક ફરસાણ બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. પ્રાથમિક માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટ અથવા જ્વલનશીલ સામગ્રીને કારણે લાગ્યાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સામે આવશે.ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આગની વિકરાળતા જોતા શહેરના વિવિધ સ્ટેશનમાંથી કુલ ૧૧ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચાડવામાં આવી હતી. અંદાજે ૭૦ જેટલા ફાયર જવાનો દ્વારા સતત કલાકો સુધી કામગીરી હાથ ધરવામાં આવી અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.ગોડાઉનમાં ટાયરો અને રબર જેવી જ્વલનશીલ વસ્તુઓ સંગ્રહિત હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી. સાથે જ ફરસાણ ફેક્ટરીમાં રહેલા તેલ અને ગેસ સિલિન્ડર જેવી સામગ્રીને કારણે આગ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT