

પાટણ, 21 ફેબ્રુઆરી (હિ.સ.)પાટણ નગરપાલિકાના સદસ્ય ભરત ભાટીયાએ ચીફ ઓફિસર હીરલબેન ઠાકરને લેખિત રજૂઆત કરી છે કે પાલિકા હસ્તકના રોડ લોડર, સ્કાય લિફ્ટર, જેસીબી અને રોડ સ્વીપર જેવા કિંમતી સાધનો લાંબા સમયથી નાની ટેકનિકલ ખામીઓના કારણે બંધ હાલતમાં પડ્યા છે. સરકારની ગ્રાન્ટ અને સ્વભંડોળથી ખરીદાયેલા આ સાધનો બિનઉપયોગી રહેતાં રોજિંદી કામગીરી પર માઠી અસર પડી રહી છે.
સામાન્ય સભામાં વાહન રિપેરિંગના લાખો રૂપિયાના બિલો રજૂ થવા છતાં સાધનો વાસ્તવમાં કાર્યરત નથી, જે વહીવટી દૃષ્ટિએ ચિંતાનો વિષય બન્યો છે. નિયમ મુજબ આ સાધનો ભાડે આપી આવક મેળવી શકાય તેમ હોવા છતાં હાલ પાલિકાને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
જરૂરિયાત સમયે ખાનગી સાધનો મોંઘા ભાવે ભાડે લેવા પડે છે, જેના કારણે સફાઈ અને વિકાસ કાર્યોમાં અવરોધ ઊભો થયો છે. સભ્યએ ચીફ ઓફિસરને સ્થળ તપાસ કરી સાધનો સત્વરે શરૂ કરાવવા માંગ કરી છે, જેથી નુકસાન અટકે અને શહેરના કાર્યોમાં ગતિ આવે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ