
સોમનાથ,21 ફેબ્રુઆરી (હિ.સ.) પરમ પૂજ્ય સોમનાથ મહાદેવ મંદિરના આશીર્વાદ સાથે “સોમનાથ સ્વાભિમાન પર્વ –2026 અંતર્ગત 150 કિલોમીટર લાંબા ઓપન વોટર સી સ્વિમિંગ અને કાયકિંગ અભિયાનનો આજ રોજ ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો.
Rajkot District Swimming Association (RDSA) દ્વારા આયોજિત આ સાહસિક અભિયાન 21 ફેબ્રુઆરી 2026 થી 2 માર્ચ 2026 દરમિયાન યોજાઈ રહ્યું છે. અભિયાનનો પ્રારંભ સોમનાથ બીચથી થઈ દસ દિવસની સમુદ્રી સફર બાદ દેલવાડા – સિમોર બીચ ખાતે સમાપન થશે.
આજના પ્રારંભ દિવસે ખેલાડીઓ દ્વારા આશરે 15 કિલોમીટર જેટલું સમુદ્રી સ્વિમિંગ અને કાયકિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.
આ અભિયાનમાં સ્વિમર તરીકે વેનેસા શુક્લા (ઉ.19), પાર્થિવ મેઘાણી (ઉ.14), દિવ્યમ ચોટલિયા (ઉ.14) તેમજ કાયકિંગ ટીમમાં આર્યન જોશી (ઉ.20), વેદાંત જોશી (ઉ.18), સિદ્ધરાજ સોલંકી (ઉ.19) અને જિનલ પિત્રોડા (ઉ.19) જોડાયા છે.
Life Saving Sports Federation of India ના પ્રેસિડન્ટ સેબેસ્ટિયન સર દ્વારા દરિયામાં લાઈફ સેવિંગ સ્પોર્ટ્સની વિવિધ પ્રવૃત્તિઓનું ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું.
આ પ્રસંગે રાજકોટના ધારાસભ્ય અને પ્રોજેક્ટ ચેરમેન રમેશટીલારા, RDSA ના પ્રમુખ તથા ગુજરાત રાજ્યના પૂર્વ રમત-ગમત મંત્રી ઉમેશ રાજ્યગુરુ, હર્ષિત રૂપાણી (રામ સ્વિમિંગ ક્લબ, પોરબંદર), ઇન્ડિયન લાઈફ સેવિંગ સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રેસિડન્ટ સેબેસ્ટિયન રાજ, અશ્વિન સોલંકી તેમજ કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટની સમગ્ર ટીમ, અંકિતા પાનસુરીયા ( સ્કૂબા ઇન્સ્પેક્ટર), હસમુખ અઢિયા (કેન્સર રીલીફ ફાઉન્ડેશન), ડૉ.જયેશ મુગ્રા (સ્પોર્ટ્સ ડિરેક્ટર, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી), તેમજ સુનિલ રાજગોર, ભરત કામલિયા, ચીનુ હાપાણી, ધરમશી કલોલા, કાનજી જુંગી, કેન્સર કેર ફાઉન્ડેશન ગીર સોમનાથ અનિસ રાચ્છ સહિત અનેક સામાજિક શૈક્ષણિક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર અભિયાનનો મુખ્ય હેતુ આધ્યાત્મિકતા, સાહસ, રમતગમત, પર્યાવરણ સંરક્ષણ, વ્યસનમુક્તિ અને સામાજિક જાગૃતિનો વ્યાપક સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો છે. યુવાનોમાં શારીરિક તથા માનસિક દૃઢતા વિકસે અને તેઓ સાહસિક રમતગમત તરફ પ્રેરાય તે માટે આ અભિયાન પ્રેરણાદાયક સાબિત થશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ