વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં વર્ષ - 2026 ની પહેલી નેશનલ લોક અદાલત 14 માર્ચે યોજાશે
ઇ-ચલણનાં નાણાંની ચુકવણી કરી દેવાથી ભવિષ્યમાં તે અંગે કોર્ટ રાહે કોઇ કાર્યવાહી થશે નહી
નેશનલ લોક અદાલત ai photo


વલસાડ, 21 ફેબ્રુઆરી (હિ.સ.) સુપ્રિમ કોર્ટ દ્વારા લોકોને ઝડપી અને અસરકારક ન્યાય મળી રહે તે માટે સમયાંતરે જરૂરી પગલાં ભરવામાં આવતા હોય છે અને સુપ્રિમકોર્ટ સંચાલીત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, રાજ્યની હાઈકોર્ટ સંચાલીત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા સ્તરે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા સ્તરે તાલુકા કાનૂની સેવા સમિતી દ્વારા વિવિધ કોર્ટોમાં તેની અમલવારી કરવામાં આવતી હોય છે. જે અભિગમનાં ભાગરૂપે સમયાંતરે દેશભરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવતું હોય છે.

આ લોકઅદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો, દિવાની કેસો અને પ્રિ-લીટીગેશન કેસોમાં શકય તેટલો ઝડપથી અને સંતોષકારક ન્યાય અપાવવા પ્રયાસ થતા હોય છે. વલસાડ જિલ્લામાં પણ આગામી 14 માર્ચ,2026 નાં રોજ અધ્યક્ષ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નાઓનાં માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા અદાલત તેમજ જિલ્લાની તમામ તાલુકા અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

આ લોક અદાલતમાં પડતર કેસો જેવા કે, ક્રિમીનલ કંપાઉન્ડેબલ કેસો, ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયેનાં (ચેક રિટર્નનાં) કેસો, લગ્ન વિષયક તકરારનાં કેસો, મોટર અકસ્માત વળતરને લગતાં કેસો, જમીન સંપાદન વળતરનાં કેસો, દિવાની દાવા જેવા કે ભાડા/ ભાડુઆતને લગતા કેસો, મનાઇ હુકમ-જાહેરાત-કરાર પાલન વિગેરે સંબધિત દાવા તેમજ બેન્ક-ફાયનાન્સ કંપનીનાં‌ વસુલાતનાં કેસો, વિજ બીલનાં વસુલાતનાં કેસો, ટેલિફોન-મોબાઇલ કંપનીઓનાં બિલનાં વસુલાતનાં કેસો વિગેરે જેવાં પ્રિ-લીટીગેશન કેસો લેવામાં આવશે.

વધુમાં, ટ્રાફીક ઇ-ચલણનાં વસુલાતનાં કેસો પણ પ્રિ-લીટીગેશન લોક અદાલતમાં લેવામાં આવશે કે જેમાં ઇ-ચલણનાં નાણાંની ચુકવણી કરી દેવાથી ભવિષ્યમાં તે અંગે કોર્ટ રાહે કોઇ કાર્યવાહી થશે નહી. જેથી જાહેર જનતાને અને પક્ષકારોને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાનાં કોર્ટમાં પેન્ડિંગ કેસો 14 માર્ચ,2026 ની લોક અદાલતમાં સમાધાન માટે મુકવા માંગતા હોય અથવા લોક અદાલત અગાઉ પોતાનો કેસ પ્રિ-કન્સીલીયેશન સીટીંગ દ્વારા સમાધાન કરવા માંગતા હોય તો સંબધિત અદાલત અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કચેરી અથવા તાલુકા કોર્ટ ખાતે તાલુકા કાનૂની સેવા સમિતીનો સંપર્ક કરી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande