
સુરત, 21 ફેબ્રુઆરી (હિ.સ.) લિંબાયત વિસ્તારમાં આવેલ રુદ્ર પેલેસમાં બનેલી એક કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. નવા નિર્મિત મકાન જોવા ગયેલી માતા-પુત્રી સાથે બનેલી આ દુર્ઘટનામાં માતાનું મોત નિપજ્યું છે, જ્યારે પુત્રી હાલ સારવાર હેઠળ છે.
પોલીસ મુજબ, માતા અને પુત્રી મકાન નિહાળવા માટે પહેલા માળે ગયા હતા. તે દરમિયાન પુત્રી ઉપર તરફ જોતી વખતે અચાનક સંતુલન ગુમાવી નીચે પટકાઈ ગઈ. દીકરીને પડી રહી હોતી જોઈ માતાએ તરત જ તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પોતે પણ સંતુલન ગુમાવી નીચે પટકાઈ ગયા.
આ ઘટના એટલી ઝડપથી બની કે આસપાસના લોકો કંઈ સમજી શકે તે પહેલાં બંને જમીન પર પડી ગયા હતા. તાત્કાલિક બંનેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન માતાનું મોત થયું, જ્યારે પુત્રીની સારવાર ચાલુ છે.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘટનાના દૃશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે પળવારમાં ખુશીનો માહોલ દુર્ઘટનામાં બદલાઈ ગયો. બનાવની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને પ્રાથમિક રીતે તેને અકસ્માત માનવામાં આવી રહ્યો છે.
આ ઘટનાએ ઈમારતોમાં સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાતને લઈને ફરી પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિકોમાં આ બનાવને લઈ ભારે દુઃખ અને ચિંતા વ્યક્ત થઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે