સુરત: બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં મોટો ખુલાસો, મહિલા મિત્ર પૂનમ ભાદોરિયાની અટકાયત
સુરત, 21 ફેબ્રુઆરી (હિ.સ.) શહેરના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં ઉમરા પોલીસે મોટી કાર્યવાહી કરતાં તેમની મહિલા મિત્ર પૂનમ ભાદોરિયાની અટકાયત કરી છે. પોલીસે તેમના સામે બ્લેકમેલિંગ કરી માનસિક અને આર્થિક દબાણ દ્વારા આપઘાત માટે દુષ્પ્રેરણા આ
પૂનમ ભાદોરિયાની અટકાયત


સુરત, 21 ફેબ્રુઆરી (હિ.સ.) શહેરના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં ઉમરા પોલીસે મોટી કાર્યવાહી કરતાં તેમની મહિલા મિત્ર પૂનમ ભાદોરિયાની અટકાયત કરી છે. પોલીસે તેમના સામે બ્લેકમેલિંગ કરી માનસિક અને આર્થિક દબાણ દ્વારા આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો દાખલ કર્યો છે।

મળતી માહિતી મુજબ, તુષાર ઘેલાણીએ 1 ફેબ્રુઆરી 2026ના રોજ પોતાના નિવાસસ્થાને રિવોલ્વરથી ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પાંચ દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા બાદ તબીબોએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ આ મામલે પરિવાર અને મહિલા મિત્ર વચ્ચે આરોપ-પ્રત્યારોપ શરૂ થયા હતા.

મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે પૂનમ ભાદોરિયા લાંબા સમયથી તુષારભાઈને બ્લેકમેલ કરી રહી હતી અને તેમની પાસેથી દુકાનો સહિતની કિંમતી મિલકતો પોતાના નામે કરાવી લીધી હતી. તુષારભાઈ આ સંબંધ સમાપ્ત કરવા માંગતા હતા, પરંતુ મહિલા સતત દબાણ કરતી હતી. દીકરીના લગ્ન પ્રસંગે બદનામ કરવાની ધમકી આપતા તેઓએ અંતિમ પગલું ભર્યું હોવાનો પરિવારનો દાવો છે.

બીજી તરફ, આરોપી મહિલાએ પણ પોલીસમાં અરજી કરીને આ ઘટનાને આપઘાત નહીં પરંતુ હત્યા ગણાવી છે. તેના મુજબ, પરિવાર તુષારભાઈનો ‘એટીએમ’ તરીકે ઉપયોગ કરતો હતો અને તેમને યોગ્ય માન-સન્માન આપતો નહોતો. સાથે જ દીકરીના લગ્ન માટે તુષારભાઈએ તેની માતા પાસેથી 25 લાખ રૂપિયા ઉછીના લીધા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

એસીપી ઝેડ.આર. દેસાઈના જણાવ્યા મુજબ તપાસમાં પૂનમ ભાદોરિયા મુખ્ય ભૂમિકા ધરાવતી વ્યક્તિ તરીકે સામે આવી છે. તેમની સામે મૃતકને માનસિક અને આર્થિક રીતે ત્રાસ આપવાના આક્ષેપ છે. તપાસમાં આર્થિક લેવડદેવડ અને મિલકત હસ્તાંતરણના અનેક મુદ્દાઓ બહાર આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે જોલી આર્કેડમાં આવેલી અંદાજે 1.06 કરોડ રૂપિયાની બે દુકાનો કોઈપણ બેંકિંગ વ્યવહાર વિના પૂનમના નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી. હાલ પોલીસે આરોપી મહિલા સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande