કપરાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ ખાતે માતૃભાષા મહોત્સવ-2026ની ભવ્ય ઉજવણી
વલસાડ, 21 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, કપરાડા, વલસાડના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ-2026નું આયોજન કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય મનોજકુમાર પી.
માતૃભાષા મહોત્સવ-2026ની ભવ્ય ઉજવણી


વલસાડ, 21 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, કપરાડા, વલસાડના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ-2026નું આયોજન કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું.

કોલેજના આચાર્ય મનોજકુમાર પી.પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ.ભાગ્યેશ જહાનું ગુજરાતી ભાષાના મહત્વ અંગેનો પ્રેરણાદાયી સંદેશો ઓડિયો-વિડિયો ક્લિપ દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનો અને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. માતૃભાષા મહોત્સવ- 2026ના પ્રથમ વક્તા તરીકે મોટાપોંઢા, કોલેજમાંથી પધારેલા ડૉ.જયશ્રીબેન સોલંકીએ માતૃભાષાની મીઠાશ અને સુંદરતાની વાત વિવિધ ઉદાહરણો,પંક્તિઓ,વાર્તાઓ દ્વારા ગુજરાતી ભાષાના મહત્ત્વ વિશે અને માતાના ધાવણથી માંડી હાલના સમયમાં ગુજરાતી ભાષાનું સ્થાન ક્યાં છે એ અંગેનું વક્તવ્ય આપ્યું હતું.

કાર્યક્રમના બીજા વક્તા તરીકે દમણ કોલેજમાંથી પધારેલ ડૉ.ભાવેશ વાળાએ પોતાની આગવી હાસ્યશૈલીમાં માતૃભાષાનાં ગૌરવની વાત હળવી અને રમૂજ શૈલીમાં વિવિધ પંક્તિઓ, ઉદાહરણો દ્વારા રજુ કરી વિદ્યાર્થીઓને ઓતપ્રોત કરી દીધા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે, માતૃભાષામાં શબ્દોની તાકત શું હોય છે તેની વાત કરી માતૃભાષાના સંરક્ષણ માટે સૌને પ્રેરિત કર્યા હતા. અત્રેની કોલેજના અધ્યાપિકા ડૉ.મેઘનાબેન ધારણેએ ગુજરાતી ગીત સંભળાવ્યું હતું, તેમજ અરૂણોદય હાઇસ્કૂલ કપરાડાથી પધારેલા રવિભાઈએ ગુજરાતી અને અન્ય ભાષાઓમાં ગુજરાતી ભાષાના મહત્ત્વ અંગે અને માતૃભાષાના ગૌરવ અંગે વાત કરી હતી.

આ કાર્યક્રમમાં અત્રેની કોલેજનાં આચાર્ય, પ્રોફેસરો, વક્તા અને હાઈસ્કૂલમાંથી આવેલા આચાર્ય અને સ્ટાફ સહિત કુલ-21 અને અત્રેની કોલેજનાં અને કપરાડાની અરૂણોદય હાઈસ્કૂલમાંથી કુલ-187 વિદ્યાર્થી ભાઇઓ- બહેનો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમની આભારવિધિ અત્રેની કોલેજના અધ્યાપક કેવલભાઈ એસ.પટેલે કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન કોલેજના અધ્યાપક ડૉ.વિરેન્દ્ર આર.વસાવાએ કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન કૉલેજના આચાર્ય મનોજ પી.પટેલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ મહેમાનો અને વિદ્યાર્થી ભાઇઓ- બહેનોએ ગુજરાતીનું મહત્ત્વ વધારતા બેનરમાં ગુજરાતીમાં જ સહી કરી ગુજરાતી ભાષાનું અહોભાગ્ય વ્યક્ત કર્યુ હતું.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande