
ભાવનગર, 22 ફેબ્રુઆરી (હિ.સ.)શ્રી કાશી વિશ્વનાથ સતુઆબાબા સંસ્થા સંચાલિત શ્રી સતુઆબાબા વિદ્યાસંકુલ, પાલિતાણા ખાતે સુદર્શન નેત્રાલય, અમરેલીના સહયોગથી ભવ્ય નેત્ર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા યજ્ઞનો મુખ્ય હેતુ ગામ અને આસપાસના વિસ્તારોના નાગરિકોને નિઃશુલ્ક નેત્ર તપાસ અને યોગ્ય માર્ગદર્શન પ્રદાન કરવાનો હતો.શિબિર દરમ્યાન સંસ્થાના પ્રમુખશ્રી ગીરીશભાઈ દલસુખભાઈ ગોધાણી તથા શ્રી ભીમજીભાઈ જસાણી ઉપસ્થિત રહી સમગ્ર આયોજનને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું હતું. તેમની ઉપસ્થિતિએ સેવાકાર્યમાં જોડાયેલા કર્મચારીઓ અને સેવાભાવી વ્યક્તિઓમાં નવી ઉર્જા ભરી હતી
.આ શિબિરમાં જૂના ૬૯ મોતિયાના અને વેલના દર્દીઓની ફરી વખત વિગતવાર તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત નવા દર્દીઓમાં ભાઈઓ ૮૪ અને બહેનો ૧૩૩ મળી કુલ ૨૨૭ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓને જરૂરી સલાહ-સૂચનો આપવામાં આવ્યા હતા તેમજ જરૂરિયાત મુજબ આગળની સારવાર માટે માર્ગદર્શન અપાયું હતું.પાલિતાણાના વિવિધ ક્ષેત્રના નામાંકિત વ્યક્તિઓની સૂચક હાજરીએ કાર્યક્રમને વધુ ગૌરવપૂર્ણ બનાવ્યો હતો. સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું હતું અને મોટી સંખ્યામાં લોકોએ આ આરોગ્યલક્ષી સેવા નો લાભ લીધો હતો.આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવા સાથે માનવ સેવા ના ઉત્તમ ઉદાહરણ રૂપ સાબિત થાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT